કમોસમી વરસાદ સાથે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાયું
રવિવાર તા.૨૫મી એપ્રિલ ૨૦૨૧ના રોજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો. જામનગરના જામજોધપુર, કાલાવડ અને ગ્રામ્ય પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. આ માવઠાથી તલ, મગ, અડદ, કેરી જેવા ઉનાળું પાકોને નુકસાન થવાની ભીંતી પ્રવર્તી રહી છે.
ખાંભા પંથકમાં સતત બીજા દિવસે તડકામાંથી વાતાવરણ બદલાઈને વાદળછાયું થઈ ગયુ હતું. તેમજ ખાંભા તેમજ ગ્રામ્ય પંથકમાં માવઠું વરસ્યું હતુ. ખાંભાના ઈંગોરાલા, ભાડ, કોટડા, અનીડા, નાના વિસાવદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો. અહીંયા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ઉનાળામાં માવઠું પડતા તલ, બાજરી તેમજ કેરીના પાકને નુકસાન જવાની ભીતિ ઉભી થઈ છે.
રાજકોટ શહેરમાં બપોર પછી ધાબળછાયું વાતાવરણ થઈ ગયું હતું. સાંજે પાંચ વાગ્યાના સુમારે આકાશમાંથી ગાજવીજ શરૂ થઈ હતી. અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો અને શહેરમાં કેટલાક સ્થળે હળવા વરસાદી છાંટા પડયા હતા.
ગોંડલમાં સાંજે આકાશ વાદળોથી ગોરંભાયા બાદ ગાજવીજ સાથે વરસાદ થતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ઉનાળામાં ચોમાસા જેવા વાતાવરણ વચ્ચે ડબલ ઋતુથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તાલુકાના નવા ગામમાં’ અડધા ઈંચ જેટલો કમોસમી વરસાદ પડયો હતો.
જામજોધપુર પંથકમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. જસદણમાં સાંજે પાંચ વાગ્યે વાતાવરણ પલટાયા બાદ વરસાદી છાંટા પડયા હતા.
જામનગર:’ જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં આજે સાંજે આકાશમાંથી કરા વરસ્યા હતા. આ ઉપરાંત જામજોધપુર ગ્રામ્ય વિસ્તારમાં પણ આવું વાતાવરણ જોવા મળ્યું હતું. જેને લઇને ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જામજોધપુર ઉપરાંત કાલાવડ પંથકના અનેક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
કાલાવડ તાલુકાના ખાનકોટડામાં સૌ પ્રથમ કરા પડયા હતા. ત્યાર પછી કાલાવડ તાલુકાના ખંઢેરા, રણુજા, બેરાજા, મોટી માટલી, ભંગડા, બાંગા સહિતના અનેક ગામોમાં કરા સાથે વરસાદ પડયો હતો. આ ઉપરાંત જામનગર તાલુકાના મતવા, ધુતારપર, સુમરી વગેરે ગામોમાં પણ વરસાદી ઝાપટા અને ક્યાંક કરા પડયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેને લઇને ખેડૂતોના ઉભા પાકને નુકસાની થઇ છે.
જેતપુર: જેતપુર તાલુકાના વિરપુર, થોરાળા, સેલુકા, મેવાસા, રબારીકા, પ્રેમગઢ, કેરાળી, જાંબુડી, હરિપર, મોટાભાદરા, લુણાગરા, નાનાભાદરા, દુધીવદર જેવા અનેક ગામોમાં આજે સાંજે અડધાથી એક ઇંચ કમોસમી વરસાદ કરા સાથે વરસ્યો હતો. જ્યારે આકાશમાં વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો.
જામકંડોરણા: જામકંડોરણા સાંજના 7-30 કલાકે ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ઉનાળુ ખેતીના પાકો તલ, મગ, અડદને નુકસાનીની ખેડૂતોમાં ભીતી સેવાઇ રહી છે.
વિરપુર (જલારામ): વિરપુર પંથકમાં બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વિરપુર તેમજ પંથકના આજુબાજુ વિસ્તારમાં ભારે પવન તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડયો હતો.
ભેસાણ પંથકમાં માવઠું થતા ઉનાળુ પાકને નુકસાન: સર્વે કરવા કોંગ્રેસની માગણી
ભેસાણ : ભેસાણ પંથકમાં અઠવાડીયા અગાઉ ભારે પવન સાથે વરસાદ પડતા આઠથી દસ ગામમાં ઉનાળુ તલના પાકને નુકસાન પહોંચ્યું છે, જેનો સર્વે કરીને વળતર ચૂકવવા માંગ ઉઠી છે.
ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઇ મોવલીયાએ મુખ્ય મંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ભેસાણ પંથકમાં પડેલ કમોસમી વરસાદને લીધે માંડવા, બામણગઢ, ખંભાળીયા, રાણપુર, ખારચીયા, સુખપુર, ભાટગામ અને વિશળ હડમતીયા, મેંદપરા સહીતના ગામોમાં ખેડૂતોના તલના પાકને ભારે નુકસાન થયું છે, જેનો સર્વે કરીને વળતર ચુકવવા માગણી કરી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


