ગત ડિસેમ્બર 2023માં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ સપ્તાહમાં સાતેય દિવસ ચોવીસે કલાક ઓપરેશનલ એરપોર્ટ જાહેર કર્યા બાદ આ પ્રકારનું સ્ટેટસ ફક્ત નામ પૂરતું રહી ગયું છે. સુરતનું એરપોર્ટ અર્થપૂર્ણ રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે માટે 11 જેટલા ટોપ પ્રાયોરિટીના કામો તાત્કાલિક પૂર્ણ કરવા માટે વી વોન્ટ વર્કીંગ એરપોર્ટ એટ સુરત WWWAS ગ્રુપ દ્વારા કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સુધી રજૂઆતોનો દૌર ચલાવવામાં આવી રહ્યો છે.
સુરત એરપોર્ટ માટે સતત સક્રીય WWWAS ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પર જે પ્રકારે પેસેન્જર ટ્રાફિક મળી રહ્યો છે, એ પ્રકારની ફ્લાઇટ્સ નથી મળી રહી. તેનું મુખ્ય કારણ એ છે કે સુરત એરપોર્ટનો સમાવેશ કેન્દ્ર સરકારની બાયલેટરલ પોલિસીમાં નથી કરાય રહ્યો એ છે. આથી WWWASની માગણી છે કે સુરત એરપોર્ટને બાયલેટરલ કોન્ટ્રાક્ટ પોલિસીમાં સમાવિષ્ટ કરવામાં આવે જેથી કરીને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મળી શકે અને પ્રાઇવેટ એરલાઇન્સ સાથે વૈશ્વિક ડેસ્ટીનેશનના જોડાણો સુરતને મળી શકે.
તેમણે કહ્યુંકે નવા ટર્મિનલ બિલ્ડીંગને મંજૂરી મળવી જોઇએ જેથી ચોવીસ કલાક અને સાતેય દિવસ ખરા અર્થમાં તેનો ઉપયોગ કરી શકાય. સાથોસાથ પેરેલલ ટેક્સી-વે કે જેનું કામ વર્ષોથી ખોરંભે પડ્યું છે તેને પણ ત્વરીત પૂર્ણ કરવામાં આવે. જૂનું ટર્મિનલ છે તેનો પણ વિસ્તાર કરવામાં આવે જેથી મુસાફરોની સુવિધા વધારવામાં એ ઉપયોગી નિવડી શકે. સુરતથી દેશના અન્ય ડેસ્ટીનેશન પર કાર્ગો સર્વિસ ઓપરેટ થઇ રહી છે, હવે કાર્ગો સેક્ટરમાં વન સ્ટેપ અહેડ જતા ઇન્ટરનેશનલ કાર્ગો ફેસેલિટી પણ સુરતથી શરૂ થાય તો હીરા અને ટેક્ષટાઇલ ઉદ્યોગને તેનો સીધો ફાયદો મળી શકે. આ સર્વિસથી અસરસપરસ બન્નેને લાભ થઇ શકે તેમ છે.
WWWASના સંજય જૈને કહ્યું કે હાલ શારજાહ અને દુબઇની ફ્લાઇટ ચાલી રહી છે, સુરત એરપોર્ટથી ડાયરેક્ટ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વિસ્તરે તે માટે બેંગકોક અને સિંગાપોરની ફ્લાઇટ શક્ય એટલી ઝડપથી થાય તેવા પ્રયાસો કરવા જોઇએ. તેમણે કહ્યું કે સુરતથી દોહા સુધીની કનેક્ટીવિટી જો સુરત એરપોર્ટને મળી શકે, કતાર એરવેઝ સાથે આ માટે જોડાણ થઇ શકે તો દોહાથી સમગ્ર વિશ્વ સાથે સુરત એરપોર્ટ જોડાઇ શકે અને સિંગલ પીએનઆરથી સુરતથી જ મુસાફરો ટ્રાવેલ કરી શકે તેમ છે. એવી જ રીતે ડોમેસ્ટીક કનેક્ટિવિટી વધારવા માટે સરકાર સુરત એરપોર્ટના મુસાફરોનાં આંકડાઓ ધ્યાનમાં લે. અંતમાં WWWAS સુરત એરપોર્ટ માટે એક કાયમી એરપોર્ટ ડાયરેક્ટરની ત્વરીત નિમણૂંક કરવામાં આવે એવી પણ માગણી કરી છે.