સુરતઃ દેશવ્યાપી એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે સર્વેક્ષણ હાથ ધરીને મ્યુચ્યુઅલ ફંડના 1 કરોડથી વધુ વર્તમાન ગ્રાહકોના ડેટાનું એનાલિસીસ કર્યું હતું તેના આધારે “વુમન ઇન્વેસ્ટમેન્ટ બિહેવિયર રિપોર્ટ 2024” શીર્ષક હેઠળ એક રસપ્રદ અભ્યાસ જારી કરવામાં આવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષમાં (31 માર્ચ 2019થી 31 ડિસેમ્બર 2023) ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર વિશ્વના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ સિટી સુરતમાં મહિલા રોકાણકારોની સંખ્યા 2.3 ગણી વધી છે. આ જ સમયગાળામાં સુરતમાં મહિલા રોકાણકારોની AUM (એસેટ અન્ડર મેનેજમેન્ટ) 3.7 ગણી વધી છે. ગુજરાત રાજ્યમાં આ જ સમયગાળામાં મહિલા રોકાણકારોની AUMમાં 3.1 ગણો વધારો જોવા મળ્યો છે.
આ અભ્યાસના તારણો દર્શાવે છે કે લગભગ 72 ટકા મહિલા રોકાણકારો હવે સ્વતંત્ર રોકાણના નિર્ણયો લે છે. મહિલા રોકાણકારો લાંબા ગાળાના રોકાણના મજબૂત સમર્થકો તરીકે ઉભરી રહ્યા છે. મહિલાઓ પાંચ વર્ષના સમયગાળા માટે તેમના મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં 22 ટકા વધુ દ્રઢતા દર્શાવે છે.
ડિજિટલ ક્રાંતિ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પરિવર્તન લાવી રહી છેઅને આ પરિવર્તનમાં મહિલાઓ મોખરે છે. પેસિવ વિમેન ઇન્વેસ્ટરના જૂનાપુરાણા ખ્યાલોને દૂર કરીને, અભ્યાસ દર્શાવે છે કે નોંધપાત્ર એવી 71.9 ટકા મહિલાઓ સ્વતંત્ર રોકાણના નિર્ણયો લે છે. યુવા પેઢીઓમાં આ વલણ વધુ સ્પષ્ટ છે, જેમાં 25-34 વર્ષની વયની 75 ટકા મહિલાઓ અને 35-44 વર્ષની વયની 70 ટકા મહિલાઓ તેમની પોતાની રોકાણ પસંદગીઓ કરીને તેમના નાણાંકીય ભવિષ્ય પર કાબૂ ધરાવે છે.
70.4 ટકા મહિલાઓ પ્રોફેશનલ્સ, મિત્રો અને પરિવારજનો પાસેથી સલાહ લે છે જ્યારે 72 ટકા મહિલાઓ જાતે જ તેમની રોકાણ સફર અંગે નિર્ણય કરે છે. પ્રત્યેક મહિલા રોકાણકાર દીઠ 25 ટકા વધુ રકમનું રોકાણ થયું જેમાં સરેરાશ ઇન્વેસ્ટમેન્ટ કોર્પસ 37 ટકા હતું જે પુરુષો કરતા ઊંચું હતું.