ગુરુવારે બપોરે આઇ.પી.એલ.ની ચેમ્પિયન ટીમ ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન પદેથી મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ગુજ્જુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નામની ઘોષણા થઇ અને તેની સાથે જ સુરતના સોશ્યલ મિડીયા ગ્રુપોમાં કેપ્ટન જાડેજાનો સુરત અંગેનો વિડિયો ભારે વાઇરલ થયો હતો.
ચેન્નઇ સુપર કિંગ્સે તેના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી સીએસકેના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાનો વિડીયો રિલીઝ કર્યો હતો, સુરતમાં ટ્રેનિંગ સેશન દરમિયાન લેવાયેલા વિઝ્યુઅલ્સના સામેલ કરતા વિડીયોમાં રવિન્દ્ર જાડેજાએ સુરતની ફેસેલિટીઝની પ્રશંસા કરી આભાર માન્યો હતો. તેણે ગુજ્જુઓને આગામી આઇપીએલમાં ચેન્નઇ ટીમ માટે હૂટીંગ કરવા પણ હાકલ કરી હતી.
લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પર મળેલી સુવિધાઓ બદલ રવિન્દ્ર જાડેજાએ આભાર વ્યક્ત કર્યો

સુરતમાં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમે પંદર દિવસ સુધી આકરી પ્રેક્ટીસ કરી હતી. લાલ માટીની પીચ અને આઇસોલેટ વાતાવરણમાં ટીમના સભ્યો આગામી તા.27મી માર્ચથી શરૂ થતા આઇપીએલ માટે ઘનિષ્ઠ ટ્રેનિંગ કરી શકે તે માટે સુરતના લાલભાઇ સ્ટેડીયમને પસંદ કરવામાં આવ્યું હતું. સી.એસ.કે.ના આ કેમ્પમાં મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ સહિતના સ્ટાર પ્લેયર્સ આવ્યા હતા અને તેમને સુરતી ફેન્સનો અનુભવ થયો હતો. દિવસ રાત જોયા વગર સુરતના ક્રિકેટ પ્રેમીઓ હોટેલ અને સ્ટેડીયમના ગેટ પર ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટે પ્રતિક્ષા કરતા હતા. ચેન્નઇની ટીમની બસ જ્યાંથી પસાર થતી ત્યાં લોકો ક્રિકેટર્સને વધાવતા, કેમેરામાં વિડીયો અને ફોટો ક્લીક કરવાનું શરૂ કરી દેતા હતા.
આ બધી બાબતોથી વાકેફ રવિન્દ્ર જાડેજાએ સી.એસ.કે.ના કેપ્ટન બનતાની સાથે જ સુરતના લોકોના, ક્રિકેટ પ્રેમીઓના, સુરતના લાલભાઇ સ્ટેડીયમ ખાતે મળેલી સુવિધાઓના ભરપેટ વખાણ કર્યા હતા. આ વિડીયો ચેન્નઇ સુપર કિંગ્સે પોતાના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર મૂકયો હતો જે સોશ્યલ મિડીયામાં સુરતીઓના સર્કલ્સમાં ભારે વાઇરલ થયો હતો.