જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાત વિધાનસભાએ ગઇ તા.31મી માર્ચે રાજ્યમાં 11 નવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મંજૂરી આપવાનો ઠરાવ પસાર કર્યો હતો. આ નવી યુનિવર્સિટીઓમાં એક સુરત જિલ્લાની છે. સુરત નજીક કીમ-અણિતા ખાતે આવેલા વિદ્યાદીપ કોલેજ કેમ્પસમાં યુનિવર્સિટી શરૂ કરવાની મેનેજમેન્ટની દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂર કરતા આગામી જૂન 2022-23થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષથી જ વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે કાર્યરત થઇ જશે એમ આજે વિદ્યાદીપ યુનિવર્સિટી મેનેજમેન્ટે જાહેરાત કરી હતી.

વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રોજેક્ટ અંગે માહિતી આપતા સંસ્થાના પ્રેસિડેન્ટ જયંતિભાઇ પટેલ, મહેશભાઇ પટેલ (એફ.આર.સી. સુરત, મેમ્બર) તેમજ અણિતા કેમ્પસ ડાયરેક્ટર મુકુંદભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલમાં વિદ્યાદીપ કેમ્પસમાં 16 જુદા જુદા અભ્યાસક્રમો ચાલી જ રહ્યા છે. હોમીયોપેથી, એન્જિનિયરિંગ, ફિઝિયોથેરાપીથી લઇને બીસીએ સુધીની કોલેજોમાં કુલ 4500 વિદ્યાર્થીઓ હાલ વિદ્યાદીપ કેમ્પસમાં અભ્યાસ કરી રહ્યા છે. હવે સંસ્થાને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હોઇ, અમે વધુ અભ્યાસક્રમો તેમજ ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્લેશમેન્ટ મળી જ જાય તેવા કોર્સ શરૂ કરવા જઇ રહ્યા છે.
જયંતિભાઇએ ઉમેર્યું કે વિદ્યાદીપ યુનિવર્સિટી કેમ્પસ ચાલુ વર્ષથી જ ધમધમી ઉઠશે. સુરત અને આસપાસમાં વિકસેલા ઉદ્યોગોને અનુરૂપ મેનપાવર મળી રહે તેવા અભ્યાસક્રમો ખાસ શરૂ કરાશે. પ્રાથમિક તબક્કામાં ફાયર સેફ્ટી, સેનેટરી ઇન્સ્પેકશન, લો, માઇક્રોબાયોલોજી, મેડીકલ લેબ ટેક્નોલોજી જેવા કોર્સ શરૂ કરવાનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ક્વોલિટી એજ્યુકેશન અને ત્વરીત જોબ, વ્યવસાય થઇ શકે તેવા અભ્યાસક્રમો વિદ્યાદીપ યુનિવર્સિટી ઓફર કરશે.
વધુમાં સુરત શહેર જિલ્લા મળીને કુલ 8મી યુનિવર્સિટી તરીકે વિદ્યાદીપ પ્રાઇવેટ યુનિવર્સિટી કાર્યરત થશે. અત્યાર સુધી એક સ્ટેટ યુનિવર્સિટી તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જ્યારે બાકીની તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જેમાં ઉકા તરસાડીયા યુનિવર્સિટી, ઓરો યુનિવર્સિટી, પીપી સવાણી યુનિવર્સિટી, સાર્વજનિક યુનિવર્સિટી, વનિતા વિશ્રામ યુનિવર્સિટી અને હવે વિદ્યાદીપ પ્રાઇવેટ યુનિવર્સિટીનો લાભ વિદ્યાર્થીઓને ચાલુ વર્ષથી જ મળતો થઇ જશે.