
વરાછા બેંક દ્વારા સભાસદો અને ખાતેદારોની ઉપસ્થિતિમાં ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા નાં હસ્તે ધ્વજારોહણ કરી આઝાદીના પર્વની ઉજવણી કરી

ગુજરાતની સહકારી બેંકોમાં અગ્રગણ્ય એવી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત દ્વારા વહીવટી કચેરી “સહકાર ભવન” સરથાણા ખાતે દેશના આઝાદીના ૭૯માં સ્વતંત્રતા પર્વની ધ્વજ વંદન કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. બેંકનાં ખાતેદારો,સભાસદો અને સમાજ અગ્રણીઓની સવિશેષ ઉપસ્થિતિમાં બેંકના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્ર પર્વની ઉજવણીમાં બેંકના AGM શ્રી શૈલેષભાઈ ભૂત તેમજ AGM શ્રી બીપીનભાઈ ચોવટિયા અને કર્મચારીઓ પણ જોડાયા હતા.
બેંકનાં ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા સાથે રાષ્ટ્ર સંદેશ આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયે ભારત તમામ ક્ષેત્રે દુનિયામાં પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે એ સંરક્ષણ નો વિષય હોય કે અંતરિક્ષમાં હોય તમામ ક્ષેત્રમાં ભારતનો વિકાસ ખૂબ ઝડપ થી વધી રહ્યો છે. આ ગતિશીલ પ્રગતિનો મુખ્ય આધાર દેશની યુવા શક્તિ છે. આ યુવા ધન ડ્રગ્સ જેવા દુષણોથી દૂર રહી રાષ્ટ્રની પ્રગતિમાં સહભાગી થાય તેવી અભ્યર્થના સાથે શુભેચ્છા પાઠવી હતી.
બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી દ્વારા તમામ કર્મચારીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
બેંક દ્વારા આયોજીત દેશભક્તિના આ કાર્યક્રમમાં બેંકનાં ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયાએ તમામને મોં મીઠું કરાવી અને સુદ્રઢ રાષ્ટ્ર નિર્માણમાં તમામ લોકો સહભાગી બને તેવી શુભેચ્છા પાઠવી હતી. અંતે કાર્યક્રમની આભાર વિધિ કરતા બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી શૈલેષભાઈ ભૂત દ્વારા ઉપસ્થિત તમામનો સહ્રદય આભાર માની દરેકના મનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના અવિરત ઝળહળતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.