
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સિગ્નેચર એક્ઝિબિશન ગણાતા ઉદ્યોગ એક્ષ્પોના આયોજનને આ વર્ષે 25 વર્ષ પૂરા થઇ રહ્યા છે. આગામી તા.8થી 11 એપ્રિલ દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ઉદ્યોગ 22નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી તેમજ પડોશી રાજ્યોમાંથી અંદાજે 175 જેટલા એક્ઝિબિટર્સ પોતાની ચીજવસ્તુઓ ડિસ્પ્લે કરશે.
ઉદ્યોગ 2022 અંગે વધુ વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી, પાસ્ટ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા, ઇલેક્ટ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે ઉદ્યોગ એક્ઝિબિશન દર બે વર્ષે યોજાય છે અને આ વર્ષે તેની 13મી આવૃતિ છે અને 25 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ઉદ્યોગ એક્ષ્પો એ બીટુબી (બિઝનેસ ટુ બિઝનેસ) સ્તર પર યોજાઇ રહ્યો છે અને તેમાં સુરત, નવસારી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, વાપી, વલસાડ, સિલવાસા, ઉમરગામ, મુંબઇ, દિલ્હી, ગુરુગ્રામ, પાણીપત, નોઇડા, ભોપાલ અને કોઇમ્બતુર જેવા શહેરોમાંથી મેન્યુફેક્ચરર્સ તથા પ્રમોટર વિક્રેતાઓ પોતાની ચીજવસ્તુઓ, સેવાઓને ડિસ્પ્લે કરશે.
ઉદ્યોગ 2022ના એક્ષ્પો ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે 1.10 લાખ ચો.ફૂટ જેટલા વિશાળ વિસ્તારમાં એક્ઝિબિટર્સને સ્ટોલ્સ ફાળવવામાં આવ્યા છે. આ વખતના એક્ષ્પોમાં ગ્રીન એનર્જી, ટેક્ષટાઇલ એન્સેલરી, ઇલેક્ટ્રીકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, એન્જિનિયરિંગ, સર્વિસ, બેંકિંગ એન્ડ ફાયનાન્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સિક્યુરિટી વગેરે પ્રોડક્ટસ અને સર્વિસીઝના ડિસ્પ્લે કરવામાં આવશે.
ચેમ્બરના ઉદ્યોગ એક્ષ્પોમાં ફક્ત વિક્રેતાઓને જ એન્ટ્રી મળશે કેમકે આ બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર યોજાશે. તા.7મીએ રાત્રે 12 વાગ્યા સુધી વિઝીટર તરીકે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારાને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ એન્ટ્રી પાસ મળશે પરંતુ, જો કોઇ વ્યક્તિ એક્ષ્પોના એન્ટ્રી ગેટ પર જઇને ફિઝિકલ રજિસ્ટ્રેશન કરાવશે તો તેમણે રૂ.200 એન્ટ્રી ફી ચૂકવવી પડશે. હાલમાં 12000 જેટલા લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.
ઉદ્યોગ એક્ષ્પોમાં ખાસ સ્ટાર્ટઅપ પેવેલિયન
ચેમ્બરના ઉદ્યોગ એક્ષ્પોમાં આ વખતે સૌથી મહત્વની બાબત સ્ટાર્ટ અપ પેવેલિયન છે. ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે સરકારે જે સ્ટાર્ટઅપને માન્યતા આપી છે તેવા તમામ સ્ટાર્ટ અપને પ્લેટફોર્મ મળે અને મુલાકાતીઓને તેમના સ્ટાર્ટ અપ વિષે માહિતી મળે તે માટે તમામને બિલકુલ વિના મૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા છે અને સ્ટાર્ટ અપનું એક આખું અલગ પેવેલિયન જ ઉભું કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટ અપ પેવેલિયનમાં 18 જેટલા સ્ટાર્ટ અપ તો એકલા સુરતના યંગસ્ટર્સ ઉધોગ સાહસિકોના જ છે.