textile surat Archives - CIA Live

December 30, 2021
weavers.jpeg
1min701

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારોએ આજે તા.30મીએ કરેલા દેખાવોની ગૂંજ ગણતરીની મિનીટોમાં જ સોશ્યલ મિડીયા હેન્ડલ મારફત દિલ્હી સરકાર સુધી પહોંચી છે. સુરતમાંથી અનેક લોકોએ ટેક્ષટાઇલ, વાણિજ્ય અને નાણા મંત્રાલય સુધી ફોટો, વિડીયોઝ શેર કરીને ઝાંખી કરાવી દીધી છે કે કપડા ઉદ્યોગમાં પ્રવર્તમાન ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર યથાવત્ રાખવા માટે સુરતનો ટેક્ષટાઇલ ઉદ્યોગ કોઇપણ હદ સુધી જઇ શકે છે.

સુરતમાં આજે ફક્ત એક દિવસના પ્રતિક દેખાવોથી કેન્દ્ર સરકારની આંખ ઉઘડી જાય તેવી સ્થિતિ છે કેમકે અનેક રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓને જોતા નવું દેશવ્યાપી ઔદ્યોગિક આંદોલન હવે કેન્દ્ર સરકારને પોષાય શકે તેમ નથી. આવી સ્થિતિમાં આવતીકાલ તા.31મી ડિસેમ્બરની જીએસટી કાઉન્સિલની મિટીંગમાં કપડા ઉદ્યોગની લાગણીને અનુરૂપ રસ્તો કાઢી આપવાની નીતિ અપનાવાય તેવા સંકેતો મળી રહ્યા છે.

દિલ્હી સુધી પહોંચ્યો થાળીનો રણકાર, કાળા વાવટા અને સદબુધ્ધિ હવન

કેન્દ્ર સરકાર સામે ખેડૂત આંદોલનની જેમ કપડા ઉદ્યોગનું આંદોલન રાષ્ટ્રવ્યાપી અને જલદ બને એ પહેલા જ આવતીકાલ તા.31મી ડિસેમ્બર 2021ના રોજ મળી રહેલી જીએસટી કાઉન્સિલની મિટીંગમાં કેટલાક નિર્ણયો લઇને હાલ તુરત કપડા ઉદ્યોગમાં વિકસી રહેલા આંદોલનને થાળે પાડવાની રણનીતિ કેન્દ્રએ બનાવી હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે અને આ બાબતને વધુ ત્યારે બળ મળ્યું કે જ્યારે આજે સુરતના વીવીંગ કારખાનેદારો, ટ્રેડર્સે મોટી સંખ્યામાં કાળા વાવટા ફરકાવ્યા, થાળીઓ વગાડીને કેન્દ્ર સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો. સુરતના આંદોલનની ગૂંજ ગણતરીની મિનીટોમાં જ દિલ્હી સુધી પહોંચી ગઇ છે.

50 હજારથી વધુ ટેક્ષટાઇલ દુકાનો બંધ રહી

સુરતમાં આજે કપડા ઉદ્યોગમાં જીએસટી વિરુદ્ધમાં ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એશોસીએશન (ફોસ્ટા)ના એલાન અનુસાર 50 હજારથી વધુ ટેક્ષટાઇલ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરીને દેખાવો યોજ્યા હતા. સુરતમાં જેટલું મોટું ટેક્ષટાઇલ વેપારીઓનું સંગઠન (ફોસ્ટા) છે તેટલું મોટું કપડા વેપારીઓનું સંગઠન દેશમાં અન્ય કોઇ જ શહેરમાં નથી. કેન્દ્ર સરકાર સુધી સુરતના ટેક્ષટાઇલ વેપારીઓના આજના બંધની પણ ફોટો વિડીયો સમેતની વિગતો પહોંચી ચૂકી છે.

સુરતના ઉદ્યોગોએ આંદોલનમાં લીડ ના લીધી હોત તો કદાચ 31મી ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની મિટીંગ ના મળી હોત

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગ વતી સુરતમાંથી જ જો ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્ર સરકાર સામે લડત ચલાવવાની લીડ ના લીધી હોત તો સંભવ છે કે જીએસટી કાઉન્સિલની તાબડતોડ મિટીંગ તા.31મી ડિસેમ્બરે શોર્ટ નોટિસથી ના યોજાઇ હોત. અને તા.1લી જાન્યુઆરીથી 12 ટકા જીએસટીનો અમલ શરૂ પણ થઇ ચૂક્યો હતો. પણ સુરતની લિડરશીપને કારણે સમગ્ર દેશમાં ટેક્ષટાઇલ ઉદ્યોગકારો, કપડા વિક્રેતાઓ વગેરેએ નાના મોટા દેખાવો, પ્રદર્શનો શરૂ કરી દીધા જેની ગૂંજ ફોટો, વિડીયો, સોશ્યલ મિડીયા પોસ્ટ મારફતે નીતિ ઘડનારાઓ સુધી પહોંચી ગઇ છે.