CIA ALERT

Surendranagar land scam Archives - CIA Live

January 6, 2026
image-3.png
1min49

સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડના જમીન એનએ (બિનખેતી) કરાવવાનું કૌભાંડ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ કૌભાંડ મામલે 4 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં હતા. આજ રોજ આ સમગ્ર મામલાની તપાસ કરવા એસીબી દ્વારા ડીવાયએસપી અને પીઆઇ સહિતના છ અધિકારીઓની એસઆઈટીની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 2 જાન્યુઆરીની સવારે ઈડીએ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેકટર રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી. ઈડીની પ્રાથમિક તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા લગભગ 7 વર્ષમાં ગુજરાતમાં અલગ–અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 6 આઈએએસ અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર, લાંચ, જમીન કૌભાંડ, ટેન્ડર ગેરરીતિ અને નૈતિક અધ:પતન જેવા ગંભીર આરોપોના આધારે સસ્પેન્શન કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત, આણંદ અને જુનાગઢ જેવા જિલ્લાઓમાં કલેક્ટર સ્તરના અધિકારીઓ સામે પગલાં લેવાતા વહીવટી તંત્રની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થયા છે.

ગુજરાત એસીબીના એડિશનલ ડાયરેક્ટર બીપીન આહિરેની અધ્યક્ષતામાં ડેપ્યુટી ડાયરેક્ટર, ડીવાયએસપી અને પીઆઈ સહિત કુલ 6 લોકોની એસઆઇટી બનાવવામાં આવી છે. આરોપીઓ દ્વારા વસાવેલી અપ્રમાણસર મિલકત અને સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગેની ઝડપી અને નિષ્પક્ષ તપાસ માટે આ એસઆઇટીની રચના ગુજરાત એસીબીના વડા પિયુષ પટેલ દ્વારા કરવામાં આવી છે.

ઈડી દ્વારા કરવામાં આવેલી તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેથી રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી અને અમદાવાદ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટ દ્વારા 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ આપવામાં આવ્યાં હતા. આજે રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ પણ કરી દેવામા આવ્યાં હતાં. આ કેસમાં હજી તપાસ ચાલી રહી છે. ઈડી દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ 1500 કરોડના કૌભાંડમાં અન્ય પણ નામો ખુલે તેવી આશંકાઓ છે. હવે આ કેસની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.