
સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૪.૩ કરોડ ડોલરના ફંડિંગ સાથે સ્ટાર્ટઅપ માટે વર્ષનો સૌથી ખરાબ તબક્કો
સ્ટાર્ટઅપ ફંડિંગ એક વર્ષના નવા તળિયે
કોરોના મહામારીના તબક્કામાં કૂદકે ને ભૂસકે બિલાડીની ટોપની માફક ફાટી નીકળેલા સ્ટાર્ટઅપ્સના હવે પાણી ઓસરી રહ્યાં છે અને ફંડની ભારે અછતનો માહોલ સર્જાઈ રહ્યો છે. ૨૦૨૨ના અંતથી શરૂ થયેલા ફંડિંગ વિન્ટરની સ્થિતિ સુધરી રહી હતી પરંતુ ફરી છેલ્લા એકાદ-બે મહિનામાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું તો ફંડિંગ મામલે અનેક રેકોર્ડ તોડતું નજરે પડયું છે.
સમગ્ર વિશ્વ અને ભારતમાં બે વર્ષથી સ્ટાર્ટઅપ માટે ભંડોળ ભેગું કરવું મુશ્કેલ બન્યું છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૪.૩ કરોડ ડોલરના ફંડિંગ સાથે સ્ટાર્ટઅપ માટે વર્ષનો સૌથી ખરાબ તબક્કો રહ્યો છે. બીજા પખવાડિયામાં પણ સમાન સ્થિતિ રહેશે તો ભારત માટે આ રેકોર્ડ ખરાબ તબક્કો હશે.
ભારતના વેન્ચર કેપિટલ માર્કેટમાં પણ ફંડ એકત્રીકરણ ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ધીમું પડયું છે. ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં માત્ર ૧.૩ અબજ ડોલરના કમિટમેન્ટ સાથે ૨૧ નવા વેન્ચર કેપિટલ ફંડ્સ બંધ થયા હતા તેમ પિચબુકના એક રિપોર્ટમાં જણાવાયું છે. સમગ્ર ૨૦૨૩ની વાત કરીએ તો ગત વર્ષે કુલ ૨૩ નવા ફંડોએ ૧.૭ અબજ ડોલર ઊભા કર્યા હતા.
લાંબાગાળાની એવરેજ પર નજર કરીએ તો ૨૦૧૫થી દર વર્ષે ૩૮-૪૯ નવા વેન્ચર કેપિટલ ફંડ્સ બંધ થયા હતા, જેમાં ૨.૪-૪.૫ અબજ ડોલર વચ્ચેની પ્રતિબદ્ધતાઓ હતી. જોકે ૨૦૨૨ એક શાનદાર વર્ષ રહ્યું હતું જેમાં વૈશ્વિક સ્તરે નીચા વ્યાજ દરો અને કોરોના બાદના બૂમને કારણે ૭૮ નવા વીસી ફંડોએ ૧૧ અબજ ડોલર એકત્ર કર્યા હતા. જોકે તેમાંથી નોંધપાત્ર હિસ્સો હજી સુધી સ્ટાર્ટઅપને નથી મળ્યો.
એક્ઝિટની વાત કરીએ તો વેન્ચર કેપિટલો આ વર્ષે જૂન સુધી ૩૦ એક્ઝિટ ડીલ કરવામાં સફળ રહ્યા છે, જેનું સંયુક્ત મૂલ્ય ૧.૨ અબજ ડોલર રહ્યું છે. તેની સરખામણીમાં ૨૦૨૩માં ૧૦૫ એક્ઝિટ ડીલમાં કુલ ૪.૮ અબજ ડોલર પરત ખેંચાયા હતા તેમ પિચબુકના ડેટા જણાવે છે.