
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગેવાનીમાં ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરતના ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળે તા. ર૮મી જૂન, ર૦ર૪ના રોજ શ્રીલંકામાં કોલંબો ખાતે નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટી દ્વારા આયોજિત ‘રત્નપુરા ઇન્ટરનેશનલ જેમ એકઝીબીશન– ર૦ર૪’ની મુલાકાત લીધી હતી. આ એકઝીબીશનમાં શ્રીલંકા તથા અન્ય દેશોની આંતરરાષ્ટ્રીય કક્ષાની ૭રથી વધુ બ્રાન્ડ દ્વારા જેમ્સ, જ્વેલરી અને સ્ટોનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ એકઝીબીશનનું ઉદ્ઘાટન શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી શ્રી દિનેશ ગુણવર્દેનાજીના હસ્તે કરવામાં આવ્યું હતું. રતનપુરા પ્રોવિન્સના માનનીય ગવર્નર શ્રી નવિન દિસાનાયકે, મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી ડો. રમેશ પથીરાનાજી, પ્રાઇમરી મિનિસ્ટર શ્રી ચમરા સમર્થ દિસાનાયકે ઉપરાંત વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન યોજાયું હતું.
એકઝીબીશનના ઉદ્ઘાટન પ્રસંગે શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી શ્રી દિનેશ ગુણવર્દેનાજીએ પોતાના સંબોધનમાં જેમ એન્ડ જ્વેલરીના ઉદ્યોગકારોને ગુજરાત સાથે વેપાર કરવા પ્રાથમિકતા આપવી જોઇએ તેમ જણાવ્યું હતું. તેમણે ગુજરાત સાથેના શ્રીલંકાના પૌરાણિક વ્યાપાર સંબંધનો પોતાના સંબોધનમાં ત્રણથી વધુ વખત ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે અન્ય દેશો જેવા કે વિયેતનામ, ચાઇના, હોંગકોંગ, થાઇલેન્ડ, કિર્ગીસ્તાનના ડેલીગેશનો પણ ઉપસ્થિત રહયા હતા. ભારતમાંથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા જયપુરના વેપારીઓ જોડાયા હતા.
એકઝીબીશન દરમ્યાન નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટીના ડાયરેકટર જનરલ શ્રી જનકા ઉદયા કુમારા તથા ચેરમેન શ્રી વિરાજ ડિસીલ્વાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળે શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી શ્રી દિનેશ ગુણવર્દેનાજી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. SGCCI ગ્લોબલ કનેકટના સીઇઓ શ્રી પરેશ ભટ્ટે સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે શ્રીલંકાના વેપારીઓનો વ્યાપાર વધે અને તેના થકી સમગ્ર ઉદ્યોગને તેનો લાભ મળે તે હેતુથી વ્યાપારિક સંબંધો વિકસાવવા માટે શ્રીલંકાના પ્રધાનમંત્રીને વિનંતી કરી હતી.
શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી અને તેમના મંત્રીશ્રીઓએ પણ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્ષ્ટાઇલ અને જેમ્સ એન્ડ જ્વેલરી સંંબંધિત એકઝીબીશનો, ફૂડ એન્ડ બેવરેજીસ, લોજિસ્ટીક અને ઉદ્યોગ સંબંધિત એકઝીબીશનોની તેમજ સુરતના ઉદ્યોગ – ધંધાઓની મુલાકાત માટે સુરત આવવાની ઇચ્છા દર્શાવી હતી. તદુપરાંત ગવર્નર પ્રોવિન્સ શ્રી નવિન દિસાનાયકે ગુજરાતનું ટુરિઝમ તથા કલ્ચરલ ટ્રાન્સફોર્મેશન માટે થતા અનેક કાર્યક્રમોમાં ગુજરાત સાથે ભાગીદારી કરી આગામી દિવસોમાં શ્રીલંકા સાથે ભારતના વ્યાપારિક સંબંધો વધુ મજબુત થાય એ દિશામાં કાર્ય કરવા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આગેવાની લે તેવી આશા વ્યકત કરી હતી.
શ્રીલંકાના ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર શ્રી રમેશ પથીરાનાજી, પ્રાઇમરી મિનિસ્ટર શ્રી ચમરા સમર્થ દિસાનાયકેજીએ વેપારિક જોડાણને ધ્યાનમાં લઇ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિવિધ ઇન્ડસ્ટ્રી પ્રતિનિધિઓ સાથે શ્રીલંકાના વેપારીઓનું સંમેલનનું આયોજન થાય, જેનું સુકાન SGCCI સંભાળે અને તેમાં શ્રીલંકાની મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી તરફથી સંપૂર્ણ સહકાર આપવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.