
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા.ર૦, ર૧ અને રર એપ્રિલ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશન ત્રણ દિવસ દરમ્યાન સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, પ્રેસિડેન્ટ ઇલેક્ટ વિજય મેવાવાલા, સેક્રેટરી નિખિલ મદ્રાસી, બીજલ કાપડીયા સહિત અન્યોએ જણાવ્યું હતું કે ટેક્ષ્ટાઇલમાં હાઇસ્પીડ મશીનરી થકી ઉત્પાદીત થતું કાપડ આવનારા દિવસોમાં બ્રાન્ડ બની રહેશે, જેને પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે. ડિજીટલ પ્રિન્ટીંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે. ભવિષ્યમાં ડિજીટલ પ્રિન્ટીંગની ડિમાન્ડ રહેવાની છે. ડિજીટલ પ્રિન્ટીંગમાં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડીશન કરી વેપારીઓ કાપડમાં સારુ માર્જીન મેળવી શકશે. માત્ર મેન્યુફેકચરર્સ જ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. પ્રદર્શનમાં ગારમેન્ટની મશીનરી પણ આ વર્ષે સામેલ કરવામાં આવી છે.તદુપરાંત એકઝીબીશનમાં એમ્બ્રોઇડરી મશીનરીની નવી ટેકનોલોજીના હાઇસ્પીડ મશીન પ્રદર્શિત કરવામાં આવશે. જેથી સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટને વધુ વેગ મળી રહેશે. આ પ્રદર્શનથી સુરતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીઓના જૂના ડીલરોને બુસ્ટઅપ તો મળશે જ પણ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે. આથી સમગ્ર ટેક્ષ્ટાઇલ મશીનરી ઉદ્યોગને નવી દિશા મળી રહેશે.સીટમે એક્ષ્પોમાં સુરતના ૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. સુરત ઉપરાંત અમદાવાદ, અજમેર, આણંદ, અંકલેશ્વર, બલોત્રા, વર્ધમાન, બેલગામ, ભીવંડી, બિકાનેર, બોટાદ, ચંડીગઢ, કોઇમ્બતુર, દહાણુ રોડ, દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, જેતપુર, જુનાગઢ, કલ્યાણ, ખંભાત, કોલકાતા, કોટા, મલાડ, માલેગાવ, મુંબઇ, મુઝફફરપુર, નવાપુર, પાનીપત, પૂણે, રાજકોટ, સિલવાસા, સુરેન્દ્રનગર, તમિલનાડુ, ઠાણે, તિરુપુર, ઉજ્જૈન, વડોદરા અને વારાણસી સહિત ભારતભરમાંથી બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે.