CIA ALERT

SITME 2026 Archives - CIA Live

January 12, 2026
Cia_business_news-1280x936.jpg
1min18

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ૯, ૧૦, ૧૧ અને ૧ર જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરત એ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે આગામી દિવસોમાં ટેક્ષ્ટાઇલમાં વેલ્યુ એડીશન કરવા હેતુસર તેમજ સુરતની ટેક્ષ્ટાઇલ વેલ્યુ ચેઇનને મજબુત કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વળી, ટેક્ષ્ટાઇલમાં એમ્બ્રોઇડરી અને વેલ્યુ એડીશન દ્વારા ઉત્પન્ન થતું ટેક્ષ્ટાઇલ ફેબ્રિક વિદેશના માર્કેટમાં એક બ્રાન્ડ તરીકે ઓળખ પામે એ મુખ્ય ઉદ્દેશ્ય આ એકઝીબીશનનો છે.

એમ્બ્રોઇડરી અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે. એમ્બ્રોઇડરી મશીન દ્વારા સુરતના ફેબ્રિકને વેલ્યુ એડીશન કરી સારુ માર્જીન પ્રાપ્ત થાય એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે. માત્ર મેન્યુફેકચરર્સ જ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે.

સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ શ્રી મનોહર ટેકચંદાની અને જોઇન્ટ સેક્રેટરી શ્રી સંજય ઝાએ જણાવ્યું હતું કે, દરેક ઈન્ડસ્ટ્રીના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે અસરકારક રજૂઆતો કરતી ચેમ્બર ઓફ કોમર્સ એ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સની સાથે મળીને આ એકઝીબીશનનું આયોજન કરીએ છીએ. અગાઉ જાન્યુઆરી– ર૦ર૪, માર્ચ– ર૦ર૩ અને જાન્યુઆરી– ર૦ર૦માં સીટમે એકઝીબીશન યોજાયું હતું, જેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ એકઝીબીશનમાં એમ્બ્રોઇડરીની અત્યાધુનિક મશીનરીઓને પ્રદર્શિત કરવામાં આવશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સીટમે એકઝીબીશનમાં એમ્બ્રોઇડરી મશીનરીના અદ્યતન તથા હાઇસ્પીડ મશીનોનું પ્રદર્શન કરવામાં આવશે, જેના કારણે સુરતની ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના વિકાસને નવી દિશા અને વધુ વેગ મળશે. આવનારા સમયમાં સુરતને ગારમેન્ટ હબ તરીકે વિકસિત કરવાની દિશામાં આ એકઝીબીશન એક મહત્વપૂર્ણ અને અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડશે. ગારમેન્ટ ક્ષેત્રે સુરતને અગ્રણી સ્થાન પર પહોંચાડવાની આ પહેલને હવે કોઇ અટકાવી શકશે નહીં.

તેમણે વધુમાં કહયું હતું કે, સીટમે એકઝીબીશન ગારમેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો, ઉત્પાદકો અને વ્યવસાયિકો માટે સુવર્ણ તક સાબિત થશે. કારણ કે, અહીં અદ્યતન ટેકનોલોજી આધારિત મશીનો પ્રદર્શિત કરવામાં આવશે, જેનો ઉપયોગ કરીને ઉદ્યોગ સાહસિકો પોતાની ઉત્પાદન ક્ષમતા, ગુણવત્તા અને વ્યવસાયિક વિકાસમાં નોંધપાત્ર વધારો કરી શકશે. આથી, ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામને સીટમે એકઝીબીશનની ચોકકસ મુલાકાત લેવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ‘સીટમે– ર૦ર૬’ એક્ષ્પોના આયોજનમાં ચેમ્બરની સાથે સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન જોડાયું છે. એક્ષ્પોના આયોજનમાંં એમ્બ્રોઇડરી મશીનરી સાથે સંકળાયેલા લોકોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. આવનારા વર્ષોમાં આ ઉત્સાહ ઉત્તરોત્તર વધતો રહે તે જરૂરી છે. કારણ કે, એનાથી સુરતની અર્થ વ્યવસ્થા વધુ મજબૂત બની શકશે. આ પ્રદર્શન માટે ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનની મુલાકાત લેનારા બાયર્સને લેટેસ્ટ ટેકનોલોજીની એમ્બ્રોઇડરી મશીનરી રૂબરૂ જોવા મળશે. તેઓને બાયર–સેલર મીટ કરવાનો પણ મોકો મળશે. બિઝનેસ અને નેટવર્કીંગ માટે તકો મળી રહેશે. ગારમેન્ટ મેન્યુફેકચરર્સ માટે પણ અનેક મશીનો અહીં જોવા મળશે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, સરસાણા ખાતે કયભહહ ડોમમાં આ પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેમાં સુરતના ૬૬ એકઝીબીટર્સે ભાગ લીધો છે. એકઝીબીટર્સમાં સુરત ઉપરાંત અમદાવાદ, નવી દિલ્હી, પૂણે, રાજકોટ, ઠાણે અને વલસાડના એકઝીબીટર્સનો સમાવેશ થાય છે.

આ એકઝીબીશનમાં સુરત ઉપરાંત અજમેર, આણંદ, અંકલેશ્વર, બલોત્રા, વર્ધમાન, બેલગામ, ભીવંડી, બિકાનેર, બોટાદ, ચંડીગઢ, કોઇમ્બતુર, દહાણુ રોડ, દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, જેતપુર, જુનાગઢ, કલ્યાણ, ખંભાત, કોલકાતા, કોટા, મલાડ, માલેગાવ, મુંબઇ, મુઝફફરપુર, નવાપુર, પાનીપત, પૂણે, રાજકોટ, સિલવાસા, સુરેન્દ્રનગર, તમિલનાડુ, ઠાણે, તિરુપુર, ઉજ્જૈન, વડોદરા અને વારાણસી સહિત ભારતભરમાંથી બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે.

દેશભરમાંથી અત્યાર સુધીમાં ૧ર હજાર જેટલા બાયર્સે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આથી ચાર દિવસમાં એકઝીબીશનમાં રપ હજારથી વધુ બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે. એકઝીબીશનમાં પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે.

આ એકઝીબીશનમાં મશીનરી સહિત મશીનરીના પાર્ટ્‌સ, દોરા, ધાગા અને બીડ્‌સ તેમજ અન્ય આનુસંગિક પ્રોડકટ પણ જોવા મળશે. આ ઉપરાંત અમદાવાદના માર્કેટમાં જે ડિઝાઇન ચાલે છે તે પણ અહીં જોવા મળશે.

સીટમે એક્ષ્પોમાં સૌ પ્રથમ વખત પોઝીશન એમ્બ્રોઇડરી મશીનરી લોન્ચ કરવામાં આવશે
અમ્બ્રોઈડરી અને જેકાર્ડ ફેબ્રિક પર પોઝિશન એમ્બ્રોઈડરી કરવા માટે ભારતભરમાં અત્યાર સુધી કોઇ સ્થળે એડવાન્સ ટેકનોલોજી સાથેની પોઝીશન એમ્બ્રોઇડરી મશીનરી લોન્ચ થઇ નથી, સુરતમાં સીટમે એક્ષ્પોમાં પ્રથમ વખત આ મશીનરીને લોન્ચ કરવામાં આવશે. આ મશીનરીથી હેન્ડ વર્ક અને ખાટલી વર્કનું કામ શક્‌ય બનશે, જે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિધ સેગમેન્ટો જેવા કે પોઝીશન પ્રિન્ટીંગ, એમ્બ્રોઇડરી, જેકાર્ડ અને શિફલી સેગમેન્ટના ડેવલપમેન્ટ માટે મહત્વની ભૂમિકા ભજવશે.

હવે પરંપરાગત જરદોશી હેન્ડવર્ક, એમ્બ્રોઇડરી મશીન પર શક્‌ય બનશે
સીટમે એકઝીબીશનમાં સિંગલ હેડ એમ્બ્રોઇડરી મશીન પર માયા જરદોશી ડિવાઇસ સાથે લાઇવ ડેમો રજૂ કરવામાં આવશે. આ ડેમો ભારતભરમાં પ્રથમ વખત સીટમે એકઝીબીશનમાં રજૂ કરાશે. આ ટેકનોલોજી દ્વારા હવે પરંપરાગત જરદોશી હેન્ડવર્ક, એમ્બ્રોઇડરી મશીન પર શક્‌ય બનશે. ખાસ વાત એ છે કે, આ ડિવાઇસ ડિઝાઇનની જરૂરિયાત મુજબ ૪ મીમીથી ૧૧ મીમી સુધી જરદોશીનું ઓટો કટિંગ કરે છે, જે સંપૂર્ણપણે ઓટોમેટીક છે. આ નવીન ટેકનોલોજી ભારતભરમાં કોઇ જ સ્થળે નથી, જે સુરતમાં પ્રથમ વખત સીટમે એકઝીબીશનમાં બાયર્સને જોવા મળશે.

એમ્બોઇડરી બીડ્‌સ મશીનરી માટે બીડ્‌સ નાયલોન તાર લોન્ચ કરાશે
એમ્બોઇડરી બીડ્‌સ મશીનરી માટે ખાસ બનાવવામાં આવેલા બીડ્‌સ નાયલોન તારને ભારતભરમાં સુરત ખાતે સીટમે એકઝીબીશનમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે. બીડ્‌સ નાયલોન તાર એમ્બ્રોઇડરી બીટ્‌સ મશીનરીમાં ઉપયોગમાં લઇ શકાશે. આ નાયલોન તારમાં ૮પ૦૦૦ મીટરની લેન્થમાં સિંગલ નોટ આવતી નથી અને આ તાર મશીનરી પર લગાવ્યા બાદ બે મહિના સુધી કોનને ઉતારવાની જરૂર પડતી નથી. એ સિવાયના કોનમાં બે મહિને પાંચેક વખત ગાંઠ પડતી હોવાને કારણે તેને પાંચેક વખત બદલવાની જરૂર પડે છે. જ્યારે ૮પ૦૦૦ મીટરની લેન્થવાળા નાયલોન તારમાં ગાંઠ પડતી ન હોવાથી એમ્બ્રોઇડરી મશીનરી પર વધુમાં વધુ પ્રોડકશન લઇ શકાશે.