
મિત્ર-પરીવાર સાથે સુરતથી બાયરોડ ઉદયપૂર જઇ રહેલા સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી પર ગઇ તા.26મી ઓક્ટોબરે ઉદયપુર હાઇ-વે પર લૂંટારાઓએ હુમલો કરીને સાડાત્રણ લાખથી વધુની માલમતાની લૂંટ ચલાવી હોવાની કેફિયત ખુદ આશિષ ગુજરાતીએ ટેલિફોનિક સંદેશાથી વ્યક્ત કરી હતી. આશિષ ગુજરાતીએ આ અંગે રાજસ્થાન પોલિસમાં ફરીયાદ દાખલ કરાવી છે.
ટેલિફોનિક વાતચીતમાં જાણિતા ટેક્ષટાઇલ ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યું કે તેઓ તા.26મી ઓક્ટોબરે સવારે સુરતથી ઉદયપુર જવા માટે તેમની પત્ની અને મિત્ર પરીવાર સાથે ટોયોટા હાઇરાઇડર કારમાં નીકળ્યા હતા. રાત્રે સાડા અગિયારના સુમારે તેમણે ઉદયપુર હાઇ-વે પર રામદેવજી મંદિરની સામે પીપલી નજીક લઘુશંકા માટે કાર થોભાવી હતી. એ દરમિયાન બાઇક પર આવેલા ત્રણ વ્યક્તિઓએ આશિષ ગુજરાતી જ્યાં ઉભા હતા ત્યાં બાઇક ઉભી રાખીને આશિષ ગુજરાતી કંઇ સમજે એ પહેલા જ હુમલાખોરોએ આશિષ ગુજરાતીને તેમની પાસેના બધા રૂપિયા આપી દેવા હિન્દીભાષામાં ધમકી આપી હતી. આશિષ ગુજરાતી સ્વસ્થતા કેળવે એ પહેલા તો એક લુંટારાએ તેમનું પાકીટ અને અને ખિસ્સામાંથી રોકડા રૂપિયા લૂંટી લીધા હતા. આશિષ ગુજરાતીએ સ્વસ્થતા કેળવીને પ્રતિકાર કરવાની કોશિષ કરી હતી, એ દરમિયાન લૂંટારાઓ તેમની કાર પાસે પહોંચી ગયા અને તેમના પત્ની તથા કારમાં બેઠેલા બીજા મુસાફરોને ધમકી આપવા લાગ્યા કે જો તમે બધા પૈસા નહીં આપો તો તેઓ મને મારી નાંખશે. પ્રતિકાર કરતાં આશિષ ગુજરાતી પણ કાર પાસે પહોંચી જતા લૂંટારામાંથી એક લૂંટારાએ આશિષ ગુજરાતીના માથા પર લાકડાના ફટકાથી જોરદાર ફટકો મારતા તેમના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતી એ દરમિયાન લૂંટારાએ વધુ હુમલો કરીને આશિષ ગુજરાતીના હાથની આંગળીમાં પહેરેલી હીરાની વીંટી પણ લૂંટી લીધી હતી.
આ દરમિયાન આશિષ ગુજરાતીના પત્નીએ સમયસૂચકતા વાપરીને કાર રોડ પર આડી મૂકાવી દીધી જેથી પસાર થતાં અન્ય વાહનો ફરજિયાત ઉભા રહ્યા હતા અને એ જોઇને લૂંટારાઓ ભાગી છૂટ્યા હતા. એ પછી લોહી નીગળતી હાલતમાં આશિષ ગુજરાતીને અન્ય કારચાલકે ફર્સ્ટ એઇડ બોક્સ આપીને તેમના માથામાંથી નીકળતું લોહી બંધ કરાવ્યું હતું અને એ પછી સ્વસ્થતા કેળવીને આશિષ ગુજરાતીએ સમગ્ર ઘટનાની જાણ પોલિસને કરી હતી.
ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ આ અંગે રાજસ્થાન પોલિસને આપેલી ફરીયાદમાં તેમના પર હુમલો કરીને હુમલાખોરો રોકડા રૂ.15 હજાર, રૂ.3 લાખની કિંમતની હીરાની વીંટી ડેબિટ કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે ધરાવતું પાકીટ વગેરેની માલમતા લૂંટી હોવાનું જણાવ્યું હતું.


