સાધનસંપન્ન પરીવારોની ક્લબ ગણાતા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં આજે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની મેનેજિંગ કમિટીની કુલ 21 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સાંજે 4ના ટકોરે જ્યારે મતદાનની પ્રક્રિયા સંપન્ન થઇ હતી ત્યારે કુલ 69.12 ટકા મતદાન યોજાયું હતું. રવિવારે રજાનો દિવસ અને ધખધખતો તાપ પડતો હોવા છતાં સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના 3608 મેમ્બરો પરસેવે રેબઝેબ થઇને પણ મતદાન કરવા માટે સ્ટેડીયમમાં પહોંચ્યા હતા.
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના ચૂંટણી જંગમાં 21 ઉમેદવારોની બે પેનલો ઝુકાવ્યું હતું. બન્ને પેનલનું નેતૃત્વ લાલભાઇ કોન્ટ્રાક્ટર પરીવારના સભ્યોના હાથમાં સોંપવામાં આવ્યું હતું. સ્ટેડીયમ પેનલ કે જેનું નેતૃત્વ ખુદ વર્તમાન પ્રમુખ કનૈયાભાઇ કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે જ્યારે સામે પક્ષે તેમના જ લઘુબંધુ સ્વ. હેમંત કોન્ટ્રાક્ટરની પુત્રી યેશા કોન્ટ્રાક્ટરે પોતાના 20 ઉમેદવારો સાથે હેમંત કોન્ટ્રાક્ટર પેનલના નામથી ચૂંટણીમાં ઝુકાવીને વહીવટ કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે મતદાન યોજાય તેની પૂર્વ સંધ્યા સુધી બન્ને પેનલોએ શામ, દામ, દંડ, ભેદ તમામ નીતિઓ અખત્યાર કરીને સોશ્યલ મિડીયા તેમજ અન્ય મિડીયા સ્ત્રોતો થકી મેમ્બરોમાં એક બીજાને નીચા દેખાડવાની ભરપૂર કોશિશો કરી હતી, જેને લઇને સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની આ ચૂંટણી અત્યંત રોમાંચક બની હતી.
આજે સવારે 10ના ટકોરે મતદાન શરૂ થયું હતું અને આરંભથી જ આક્રમક મતદાન જોવા મળ્યું હતું. સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનમાં કુલ 5222 મેમ્બરોને આજે મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. દર કલાકે 700 મતોની સરસાઇ સાથે સાંજે 4ના ટકોરે મતદાન સંપન્ન થયુ ત્યારે કુલ 3608 મતદારો મતદાન કરી ચૂક્યા હતા. દર ત્રણ વર્ષે યોજાતી આ ચૂંટણીમાં ત્રણ વર્ષ અગાઉ 2022માં યોજાયેલી ચૂંટણીમાં એ સમયે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના 4500માંથી 2912 મતદારોએ મતદાન કર્યું હતું