CIA ALERT

Russia vs Ukraine Archives - CIA Live

August 26, 2024
image-1.jpeg
1min135
Kyiv: Russia strikes Ukraine capital, other cities as Putin threatens more  attacks | CNN
Russia pounds Kyiv, Kharkiv with deadly missile and drone strikes

રશિયા અને યુક્રેન વચ્ચે પાછલા અઢી વર્ષોથી યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં આજે (26 ઓગસ્ટ) રશિયાએ યુક્રેનના ઘણા શહેરોમાં ઘાતક મિસાઈલ અને ડ્રોન હુમલા કરી વિશાળ કાર્યવાહી કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પણ આ વાતની પુષ્ટી કરી છે.

ઝેલેન્સ્કીએ રશિયાના હુમલાની પુષ્ટી કરતાં કહ્યું કે, ‘રશિયાએ 100થી વધુ મિસાઈલ અને 100થી વધુ ડ્રોનનો ઉપયોગ કર્યો છે. જેના કારણે ભારે વિનાશ થયો છે. જો કે, યુક્રેનની સેના પણ રશિયાના કુર્સ્ક વિસ્તારમાં આગળ વધી રહી છે.’ બીજી તરફ, રશિયાની સેનાએ પણ યુક્રેનના પૂર્વીય વિસ્તારમાં વિશાળ જમીન કબજો કર્યો છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ હબ પોકરોવસ્ક બંધ કરી દેવામાં આવ્યું છે.

આ દરમિયાન ઝેલેન્સ્કીએ તેમના મિત્ર દેશોને એર ડિફેન્સ સિસ્ટમ્સ અને વધુ મિસાઇલોનો સપ્લાય ચાલુ રાખવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે, ‘યુક્રેનને સમર્થન કરતા દેશોએ સંયુક્ત હવાઈ સંરક્ષણ કરાર કરવો જોઈએ. જેથી રશિયન ડ્રોન અને મિસાઈલોને એકસાથે હવામાં જ નાશ કરી શકાય. આ વખતે જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે મોટા ભાગના ટાર્ગેટ વીજળી સપ્લાય ગ્રીડ અને પાવર સ્ટેશન હતા.’

રશિયન મિસાઇલો અને ડ્રોને કિવ, વિનીતસિયા, ઝાયટોમીર, ખ્મેલનીત્સ્કી, ડેનેપ્રોપેટ્રોવસ્ક, પોલ્ટાવા, નિકોલેવ, કિરોવાગ્રાડ અને ઓડેસામાં પાવર સબસ્ટેશનો ઉપરાંત લ્વિવ, ઇવાનો-ફ્રેન્કોવસ્ક અને ખાર્કિવના ગેસ કોમ્પ્રેસર સ્ટેશનો અને ગેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સને નિશાન બનાવ્યા હતા. આ સિવાય કિએન અને ડેનિપ્રોપેટ્રોવસ્ક વિસ્તારમાં એરફિલ્ડ અને હથિયારોના ડેપોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ હુમલા બાદ યુક્રેનના મોટા વિસ્તારોમાં વીજળી નથી. યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ 15 રશિયન મિસાઈલો અને ડ્રોન તોડી પાડ્યા હતા. આમ છતાં રશિયાનો હુમલો ખૂબ જોરદાર હતો જેનાથી યુક્રેનના ઘણા શહેરોને નુકસાન થયું છે.

રશિયાએ દાવો કર્યો છે કે, ‘અમારા ડ્રોન અને મિસાઇલોએ નિશાન પર સચોટ હુમલો કર્યો છે. યુક્રેનમાં ઘણી જગ્યાએ વીજળીનો પુરવઠો નથી, રેલ્વે પરિવહન બંધ થઈ ગયું છે અને હથિયારોના ડેપોને પણ ઉડાવી દેવામાં આવ્યા છે.’

આ દરમિયાન ઝેલેન્સ્કીએ પોતાની ટેલિગ્રામ ચેનલ પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને બીમાર વ્યક્તિ ગણાવ્યા છે અને હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. બીજી તરફ પુતિને પણ નિવેદન જારી કરીને કહ્યું કે, ‘હવે કોઈ વાતચીત થશે નહીં. યુક્રેનને યોગ્ય જવાબ મળશે.’