Putin in India Archives - CIA Live

December 5, 2025
image-3.png
1min11

ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો રશિયન ઈંધણ અમેરિકા ખરીદી શકે, તો ભારત કેમ નહીં? તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ માટે સતત પ્રહાર કરી રહ્યું છે. જેના કારણે ભારત પર ભારે ટેરિફ પણ લગાવવામાં આવ્યો છે.

એક ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં પુતિને કહ્યું કે, ‘અમેરિકા પોતાના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે હંમેશાથી ન્યૂક્લિયર ફ્લૂલ ખરીદવાનું શરૂ રાખે છે. એ પણ તો ઇંધણ જ છે. એનર્જી છે. આ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે યૂરેનિયમ છે, જે અમેરિકામાં કામ કરે છે. જો અમેરિકા પાસે ફ્યુલ ખરીદવાનો અધિકાર છે, તો ભારતને આ અધિકારથી વંચિત કેમ રાખવામાં આવે? આ ખૂબ જ ઝીણવટથી અધ્યયન કરવા જેવો મુદ્દો છે. અમે પ્રમુખ ટ્રમ્પ સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ.’

રશિયાના પ્રમુખે રશિયા પર પશ્ચિમી પ્રતિબંધોને ધ્યાને રાખીને ભારત દ્વારા ક્રૂડ ઓઇલની ખરીદી ઓછી કરવા વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ‘આ વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન કુલ વેપાર ટર્નઓવરમાં થોડો ઘટાડો થયો છે. આ એક નાનો ફેરફાર છે. એકંદરે, અમારું વેપાર ટર્નઓવર લગભગ તેના પાછલા સ્તરે જ જળવાયેલું છે..

પુતિને આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, કેટલીક વૈશ્વિક શક્તિઓ વૈશ્વિક બજારોમાં ભારતની વધતી શક્તિથી ચિંતિત છે. રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા અંગે પશ્ચિમની ચિંતાઓ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણય ભારતના વધતા આર્થિક પ્રભાવ અંગેની ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. બંને દેશો વચ્ચેની ઊર્જા ભાગીદારીનો પાયો લાંબો છે. ભારત સાથેના અમારા ઊર્જા સહયોગ પર વર્તમાન પરિસ્થિતિ, રાજકારણ અથવા યુક્રેનની ઘટનાઓનો કોઈ પ્રભાવ પડ્યો નથી.

અમેરિકાના આક્રમક વલણ વિશેના પ્રશ્નના જવાબમાં, રશિયન પ્રમુખે કહ્યું કે, “કેટલાક બાહ્ય દબાણ છતાં, મેં કે વડાપ્રધાન મોદીએ ક્યારેય અમારી ભાગીદારીનો ઉપયોગ કોઈની વિરુદ્ધ કામ કરવા માટે કર્યો નથી.”

ડોનાલ્ડ ટ્રમ્પ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પોતાનો એજન્ડા છે, પોતાના લક્ષ્ય છે. જોકે, અમારૂ ધ્યાન અમારા પર છે. કોઈની વિરૂદ્ધમાં નહીં. અમારૂ લક્ષ્ય પોતપોતાના હિત, ભારત રશિયાના હિતનું રક્ષણ કરવું છે.’

નોંધનીય છે કે, રશિયાના પ્રમુખ પુતિનની ભારત યાત્રા એવા સમયે થઈ રહી છે. જ્યારે ભારત-અમેરિકાના સંબંધ છેલ્લા બે દાયકામાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને અમેરિકાએ ભારતીય સામાન પર ભારે 50 ટકા ટેરિફ પણ લાદી દીધો છે. જેમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી પર 25 ટકા ટેરિફ પણ સામેલ છે.