લોકો પોતાની મહામૂલી બચત રૂપી થાપણો જ્યાં ફિક્સ ડિપોઝીટ સ્વરૂપે મૂકતા હોય એ સૌથી વિશ્વસનીય બેંક ગણાતી હોય છે, વરાછા બેંકે ફિક્સ ડિપોઝીટ મેળવવામાં આખા રાજ્યમાં સૌથી વધુ ગ્રોથ હાંસલ કર્યો
હિસાબી વર્ષ 2021-22 પૂરું થતાંની સાથે જ બેંકો અને ફાઇનાન્સીયલ સંસ્થાઓએ પોતપોતાના વાર્ષિક સરવૈયા રજૂ કરવા માંડ્યા છે. પરંતુ, આજે બહાર આવેલી ગુજરાત રાજ્યની સહકારી બેંકોની વાર્ષિક સ્થિતિનો અભ્યાસ કરતા એ વિગત પણ બહાર આવી કે ગત હિસાબી વર્ષમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરની અસર વર્તાઇ હોવા છતાં સુરતની સહકારી બેંકોએ જબરદસ્ત ગ્રોથ સાથે વિકાસ સાધ્યો છે. સુરતની વરાછા કો.ઓ. બેંક ફિક્સ ડિપોઝિટ મેળવવામાં 16.87 ટકા ગ્રોથ સાથે સમગ્ર ગુજરાતની બેકોમાં થાપણ મેળવવામાં નંબર વન બની છે. એવી જ રીતે સુરતની જ પ્રાઇમ કો.ઓ. બેંકે સૌથી વધુ એડવાન્સીઝ એટલે કે ધિરાણ આપવામાં વિક્રમ કર્યો છે.
સુરત અને ગુજરાતની બેંકોએ ગત હિસાબી વર્ષમાં સાધેલી પ્રગતિ અંગે મળતી માહિતી મુજબ 31મી માર્ચ 2021ના રોજ પૂરા થયેલા હિસાબી વર્ષમાં સુરતની વરાછા બેંકે કુલ 2200.47 કરોડની થાપણો (ફિક્સ ડિપોઝીટ્સ) મેળવી હતી. તા.31મી માર્ચ 2022ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન આ બેંકે થોપણો મેળવવામાં 16.87 ટકાના ગ્રોથ સાથે કુલ 2571.76 કરોડની થાપણો મેળવીને લોકોનો વિશ્વાસ કેળવ્યો છે. થાપણો મેળવવામાં 16.87 ટકા ગ્રોથ આખા રાજ્યની તમામ સહકારી બેંકો પૈકી કોઇ બેંક હાંસલ કરી શકી નથી.
વરાછા બેંકે થાપણો મેળવવામાં ગ્રોથરેટ તો હાંસલ કર્યો છે પરંતુ, રૂપિયાની દ્રષ્ટીએ પણ સૌથી વધુ રૂ.371.29 કરોડની થાપણો મેળવીને સમગ્ર સુરતમાં પહેલો ક્રમ હાંસલ કર્યો છે.
એવી જ રીતે એડવાન્સીઝ, ધિરાણ (લોન-ફાઇનાન્સ)ની વાત કરીએ તો પ્રાઇમ કો.ઓ.બેંકે મેદાન માર્યું છે. મળતી માહિતી મુજબ પ્રાઇમ બેંક ધિરાણ આપવામાં અગાઉના વર્ષની તુલનાએ તાજેતરમાં પૂર્ણ થયેલા હિસાબી વર્ષ દરમિયાન 32.52 ટકાનો ગ્રોથ હાંસલ કર્યો છે. પ્રાઇમ બેંકે 2020-21માં કુલ 840.75 કરોડનું ધિરાણ કર્યું હતું જ્યારે 2021-22માં 1162.93 કરોડનું ધિરાણ કર્યું છે. પ્રાઇમ બેંક ન સિર્ફ સુરતમાં બલ્કે સમગ્ર રાજ્યમાં ધિરાણ આપવામાં સૌથી વધુ ગ્રોથ રેટ હાંસલ કરનારી બેંક બની છે.

થાપણો અને ધિરાણ બન્નેમાં પીપલ્સ બેંક ત્રીજા ક્રમે
સુરત સૌથી જૂની અને મોટી જ બેંક નહીં બલ્કે ગુજરાત અને હવે તો મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ બેંક બની ચૂકેલી સુરત પીપલ્સ કો.ઓ. બેંક તાજેતરમાં પૂર્ણ થયેલા 2021-22ના હિસાબી વર્ષમાં થાપણો મેળવવામાં અને ધિરાણ આપવામાં વરાછા બેંક, પ્રાઇમ બેંક પછી ત્રીજા ક્રમે ઉતરી ગઇ છે. 2020-21ની તુલનામાં 2021-22માં પીપલ્સ બેંકની થાપણો (ફિક્સ્ડ ડિપોઝીટ)માં ફક્ત 1.43 ટકાનો ગ્રોથ એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન પીપલ્સ બેંક અગાઉના વર્ષ કરતા ફક્ત રૂ.75.43 કરોડની જ થાપણો મેળવી શકી છે. તેની સરખામણીએ વરાછા બેંકને 371.29 કરોડની વધુ થાપણો અને પ્રાઇમ કો.ઓ. બેંકને 156.98 કરોડની વધુ થાપણો તેમના આગલા વર્ષના પરફોર્મન્સની સરખામણીએ મળી છે. એવી જ રીતે પીપલ્સ બેંક ધિરાણ આપવામાં પણ પછડાઇને ત્રીજા ક્રમે સરકી ગઇ છે. પીપલ્સ બેંકે ધિરાણ આપવામાં 12.33 ટકા ગ્રોથ કર્યો છે. જ્યારે પ્રાઇમ કો.ઓ. બેંકે 32.52 ટકા અને વરાછા બેંકે 18.04 ટકા ગ્રોથ અગાઉના વર્ષના ધિરાણમાં મેળવ્યો છે.
આખા ગુજરાતની સહકારી બેંકોનું 2021-22ના હિસાબી વર્ષનો તુલનાત્મક અભ્યાસ
