
ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર અનેક પરિવારો માટે માતમ લઈને આવ્યો છે. ચાઈનીઝ દોરી અને પતંગના કારણે સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં રાજ્યભરમાં કુલ 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાઓમાં સૌથી વધુ 7 મોત સુરતમાં નોંધાયા છે, જ્યારે અમદાવાદ, જંબુસર, અરવલ્લી અને ખંભાતમાં 1-1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
ફ્લાયઓવર પરથી દંપતી અને પુત્રી બ્રિજ પરથી નીચે ખાબક્યા
સુરતના અડાજણ પાટીયા નજીક આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર હૃદયદ્રાવક ઘટના બની હતી. જ્યાં 34 વર્ષીય રેહાન રહીમ શેખ, 30 વર્ષીય પત્ની રેહાના અને 10 વર્ષની પુત્રી આલિશા સાથે બાઈક પર ગાર્ડનમાં ફરવા નીકળ્યા હતા. બ્રિજના વળાંક પર અચાનક પતંગની દોરી આડી આવતા રેહાને બાઈક પરથી સંતુલન ગુમાવ્યું હતું. આ પરિવાર અંદાજે 70 ફૂટની ઊંચાઈએથી બ્રિજ નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં ત્રણેયના કરુણ મોત નીપજ્યા હતા.
સરકાર અને પોલીસ દ્વારા વારંવાર પ્રતિબંધ અને સૂચનાઓ આપવા છતાં ચાઈનીઝ દોરી અને કાચ પાાયેલી ઘાતક દોરીનો ઉપયોગ ચાલુ રહેતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અન્યાની પતંગ કાપવાની મજા અનેક પરિવારો માટે કાયમી સજા સમાન સાબિત થઈ છે.

