ભારતીય શેરબજારમાં(Stock Market) First Week October 2024 દરમ્યાન રોકાણકારોમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો. જેમાં 30 સપ્ટેમ્બરે જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે રોકાણકારોએ અંદાજ પણ નહીં લગાવ્યો હોય કે આ અઠવાડિયું તેમના માટે નુકશાનકારક સાબિત થશે. ગયા સપ્તાહે શુક્રવારથી શરૂ થયેલો શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે 4/10/2024 સતત 5માં દિવસે પણ ચાલુ રહ્યો હતો. શેરબજારમાં ચાલી રહેલા વિક્રમી ઘટાડા વચ્ચે રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
નિષ્ણાતોનું માનવું છે કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. માર્કેટમાં 5 દિવસથી ચાલી રહેલા ઘટાડાથી શેરબજારના રોકાણકારોને 16.26 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ 5 દિવસના ઘટાડા પછી BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 16,26,691.48 કરોડ ઘટીને રૂપિયા 4,60,89,598.54 કરોડ થયું હતું.
સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે 4/10/2024 સેન્સેક્સ 808.65 પોઈન્ટ ઘટીને 81,688.45 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 50 પણ 200.25 પોઈન્ટ ઘટીને 25,049.85 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ અઠવાડિયું ભારતીય બજાર માટે ઘણું ખરાબ રહ્યું. આ અઠવાડિયે સેન્સેક્સમાં કુલ 3883.40 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે બીજી તરફ આ સપ્તાહે નિફ્ટી 50માં કુલ 1129.10 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
આજે સેન્સેક્સ કંપનીઓમાં ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 3.58 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે, શેરબજારમાં અરાજકતા સર્જનાર આ ઘટાડામાં ઈન્ફોસિસના શેરમાં સૌથી વધુ 1.33 ટકાનો વધારો નોંધાયો હતો.