CIA ALERT

NRI Archives - CIA Live

July 3, 2022
money_transfer.jpg
1min356

કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ) સંબંધિત કેટલાક નિયમોમાં સુધારો કર્યો છે, જેને પગલે હવે વિદેશમાં વસતા ભારતીયો ઓથોરિટીને જાણ કર્યા વિના તેમજ કોઈપણ નિયંત્રણ વિના દેશમાં એક વર્ષમાં તેમના પરિવાર-સંબંધીઓને રૂ. ૧૦ લાખ સુધીની રકમ મોકલી શકશે. અગાઉ આ મર્યાદા માત્ર રૂ. ૧ લાખની હતી.

ગૃહમંત્રાલયે એક નોટિફિકેસનમાં જણાવ્યું છે કે વિદેશમાં વસતા ભારતીયો તંત્રને જાણ કર્યા વિના રૂ. ૧૦ લાખથી વધુની રકમ મોકલે તો તેમણે ૯૦ દિવસમાં આ અંગે સરકારને જાણ કરવાની રહેશે. અગાઉ આ સમય મર્યાદા માત્ર ૩૦ દિવસ હતી. ગૃહમંત્રાલયે શુક્રવારે રાત્રે ગેઝેટ નોટિફિકેશન મારફત ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) અમેન્ડમેન્ટ રુલ્સ, ૨૦૨૨ના નવા નિયમો લાગુ કર્યા છે.

નોટિફિકેશનમાં જણાવાયું છે કે ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) રુલ્સ, ૨૦૧૧ના નિયમ ૬માં એક લાખ રૂપિયાના બદલે દસ લાખ રૂપિયા અને ૩૦ દિવસના બદલે ત્રણ મહિના શબ્દ બદલવામાં આવ્યા છે. રુલ્સ ૬ સંબંધીઓને વિદેશી ધન મેળવવાની માહિતી સંબંધિત છે. તેમાં પહેલા કહેવાયું  હતું કે, કોઈપણ વ્યક્તિએ પોતાના કોઈ સંબંધીને એક નાણાકીય વર્ષમાં ૧ લાખ રૂપિયા અથવા તેના જેટલું વિદેશી નાણું મોકલે તો વિદેશી યોગદાન મળ્યાના ૩૦ દિવસમાં કેન્દ્ર સરકાર (નાણાં વિગતો)ને સૂચિત કરવાની રહેશે.

એ જ રીતે નિયમ ૯માં પણ ફેરફાર કરાયો છે. તેના હેઠળ હવે વ્યક્તિઓ અથવા સંગઠનો અથવા બીન સરકારી  સંગઠનોના બેન્ક ખાતા અંગે ગૃહમંત્રાલયને સૂચિત કરવા માટેનો સમય ૪૫ દિવસ કરી દેવાયો છે. આ પહેલા આ સમય મર્યાદા ૩૦ દિવસ હતી. નિયમ ૯ નાણાં મેળવવા માટે એફસીઆરએ હેઠળ ‘નોંધણી’ અથવા ‘પૂર્વ મંજૂરી’ મેળવીને અરજી કરવા સંબંધિત છે.

કેન્દ્ર સરકારે નિયમ ૧૩માં જોગવાઈ ‘બી’ને પણ ‘છોડી દીધી’ છે, જે પોતાની વેબસાઈટ પર દર ત્રણ મહિનામાં દાતાઓની વિગતો, મેળવેલી રકમ અને તારીખ વગેરે સહિત વિદેશી નાણાંની વિગતો જણાવે છે. હવે એફસીઆરએ હેઠળ વિદેશી ભંડોળ મેળવનારી કોઈપણ વ્યક્તિએ આવક અને ખર્ચના સ્ટેટમેન્ટ સહિત વિદેશી ભંડોળ મેળવવા માટે ઉપયોગમાં લેવાયેલા ખાતાનું ઓડિટ કરાવેલું સ્ટેટમેન્ટ, રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ તથા એપ્રિલના પહેલા દિવસથી શરૂ કરીને પ્રત્યેક નાણાકીય વર્ષ માટેની બેલેન્સ શીટ નાણાકીય વર્ષ પૂરું થવાના નવ મહિનામાં તેની સત્તાવાર વેબસાઈટ અથવા કેન્દ્ર દ્વારા નિર્દિષ્ટ ચોક્કસ વેબસાઈટ પર પૂરાં પાડવાના રહેશે.