
નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાતા યુવાપેઢીએ તેને સ્વતંત્રતા પર સરકારનો અંકુશ ગણ્યો હતો. કેપી શર્મા ઓલી ચીનની જેમ નેપાળમાં પણ એકહથ્થુ સોશિયલ ઈકોસિસ્ટમ ગોઠવવા માગે છે કે જેથી લોકો કે વિરોધીઓ આંખ ઉંચી કરી શકે નહીં. તેની સામે લોકોમાં આક્રોશ હતો. વળી, છેલ્લાં કેટલાય સમયથી ચીનમાં સરકારી ભરતીમાં પારદર્શકતાનો અભાવ જોવા મળતો હતો. મોંઘવારી વધી છે, બેરોજગારી વધી છે.
આ બધા સામે લોકોમાં ભારે આક્રોશ હતો ને એમાં સોશિયલ મીડિયાના પ્રતિબંધથી યુવાનોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધી તરાપ લાગી એટલે બળતામાં ઘી હોમાયું, પરિણામે નેપાળમાં જનાક્રોશનો અગ્નિ ભભૂકી ઉઠયો છે.
સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત પછી લાખોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ પાટનગરમાં પ્રદર્શનો કર્યા. એટલું જ નહીં, સંસદભવન તરફ કૂચ કરી અને સંસદભવનમાં ઘૂસી ગયા હતા. ઉપદ્રવીઓને દેખો ત્યાં ઠાર કરો એવો સરકારે સુરક્ષાદળોને આદેશ આપ્યો તેનાથી મામલો વધારે તંગ બન્યો હતો. પોલીસે રબરની ગોળીઓ વરસાવી હતી. એમાં ૨૦ પ્રદર્શનકારીઓના મોત થયા હતા. ૨૫૦થી વધુને ઈજા પહોંચી છે. આ ઘટના પછી સ્થિતિ વધારે વણસી હતી.
નેપાળમાં કર્ફ્યૂ લાગુ કરીને પરિસ્થિતિ કાબૂમાં કરવા માટે સૈન્ય બોલાવાયું છે. સેનાએ બળપ્રયોગ કરતાં પ્રદર્શનકારીઓ લડી લેવાના મૂડમાં છે. અનેક લોકો સરકારી ભવનો તરફ કૂચ કરી રહ્યા છે એટલે સુરક્ષાદળો અને સરકાર વચ્ચે ઝપાઝપી-સંઘર્ષની ઘટનાઓ બની રહી છે. સુરક્ષાદળોએ રબરની ગોળી છોડવાથી લઈને ટીઅર ગેસ છોડયો અને ફાયરિંગ સુદ્ધાં કર્યું છે. પ્રદર્શનમાં ઉડીને આંખે વળગે તેવી બાબત એ હતી કે એમાં યુવાપેઢી સ્વયંભૂ જોડાઈ છે. કોલેજના વિદ્યાર્થીઓ, યુવા એક્ટિવિસ્ટ, સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. એમાંય જેન-ઝીનું પ્રમાણ ખૂબ વધારે છે. જેન-ઝીનો આરોપ છે કે સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેન મૂકીને ભ્રષ્ટાચાર સામેના અવાજને દબાવવા માગે છે.
વિપક્ષોએ પણ આ પ્રદર્શનકારીઓના સમર્થનમાં સરકાર સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો આદેશ પાછો ખેંચવાની માગણી કરી છે. નેપાળના પૂર્વ વિદેશ મંત્રી ઉપેન્દ્ર યાદવે કહ્યું કે સરકારે તુરંત આ આદેશ પાછો ખેંચીને યુવાનોની માગણી સ્વીકારી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે નેપાળમાં ઓલીની કમ્યુનિસ્ટ પાર્ટી અને નેપાળી કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે. ગઠબંધનમાં પણ અંદરો અંદર સત્તાની ખેંચતાણ રહે છે એટલે નેપાળમાં કેટલાય સમયથી રાજકીય અસ્થિરતાનો માહોલ છે.
નેપાળની સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણીમાં આદેશ કર્યો હતો કે જેટલા વિદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નેપાળમાં સત્તાવાર રજિસ્ટ્રેશન ન થયું હોય એના પર પ્રતિબંધ મૂકી દો. એ પછી વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટયૂબ, વોટ્સએપ જેવી કંપનીઓને રજિસ્ટ્રેશન કરવા નોટિસ આપી હતી. સાત દિવસ સુધી નોટિસનો કોઈ જવાબ ન મળતા આખરે સરકારે માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રજિસ્ટ્રેશન ન થયું હોય એવા ૨૬ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રાતોરાત બંધ કરી દીધા. પ્રતિબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં ફેસબુક, વોટ્સએપ, યુટયૂબ, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, એક્સ (ટ્વિટર), રેડિટ, લિંક્ડઈન, સ્નેપચેટ, સિગ્નલ, પિંટરેસ્ટ, થ્રેડ્સ, ક્લબહાઉસ વગેરેનો સમાવેશ થાય છે.