CIA ALERT
29. March 2024

Mitali Raj Archives - CIA Live

June 9, 2022
mithali-raj.jpg
1min384
Mithali Raj retires from international cricket

ભારતીય મહિલા ક્રિકેટની સર્વકાલિન મહાન ખેલાડી અને ટેસ્ટ-વન ડે ટીમની કપ્તાન મિતાલી રાજે આજે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યું છે. આ સાથે મિતાલી રાજની 22 ગજની પીચ પર 23 વર્ષથી ચાલી રહેલી શાનદાર સફરનો અંત આવ્યો છે. મિતાલીએ 2019માં ટી-20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધો હતો. હવે આજે તેણે તમામ પ્રકારના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. મિતાલી રાજ દેશની પહેલી મહિલા ક્રિકેટર છે જેને અર્જુન એવોર્ડ, પદ્મશ્રી અને ખેલરત્ન એવોર્ડથી ભારત સરકારે સન્માનિત કરી છે. મિતાલી રાજ મહાન સચિન તેંડુલકરની જેમ 20 વર્ષથી વધુ ભારત માટે આંતરારાષ્ટ્રીય ક્રિકેટ રમી છે. મહિલા ક્રિકેટમાં તેણીનાં નામે સૌથી વધુ ઇન્ટરનેશનલ રન (ત્રણેય ફોર્મેટ) 10,868 છે.

1999માં 16 વર્ષની વયે ભારત તરફથી પદાર્પણ કરનાર મિતાલી રાજની મહિલા વિશ્વ ક્રિકેટમાં સર્વકાલિન મહાન ખેલાડી પૈકિની એકમાં થાય છે. મિતાલીએ તેની 23 વર્ષની શાનદાર કેરિયર દરમિયાન 12 ટેસ્ટ, 232 વન ડે અને 89 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેના સુકાનીપદ હેઠળ ભારત બે વખત વિશ્વ કપના ફાઇનલમાં પહોંચ્યું છે. જો કે તે ભારતીય મહિલા ટીમને વિશ્વ વિજેતા બનાવવાનું સપનું સાકાર કરી શકી નથી.

મહિલા વન ડે ક્રિકેટમાં મિતાલી રાજનાં નામે સૌથી વધુ 780પ રન કરવાનો રેકોર્ડ છે. જેમાં 7 સદી અને 64 અર્ધસદી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણીના ખાતામાં 43.68ની સરેરાશથી કુલ 699 રન છે જ્યારે ટી-20 ઇન્ટરનેશનલમાં 2364 રન બનાવ્યા છે. વન ડે પદાર્પણ સાથે જ મિતાલીએ સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનારી મિતાલી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે.

મિતાલી રાજે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું છે કે હું ભારતની’ બ્લ્યૂ જર્સી પહેરવાની યાત્રા પર નીકળી હતી, કારણ કે દેશનું પ્રતિનિધિત્વ કરવું સૌથી મોટું સન્માન છે. મેં આ યાત્રા દરમિયાન વિશેષ ક્ષણો માણી. કેટલાક મુશ્કેલ તબક્કાનો પણ સામનો કર્યો. દર વખતે મને કંઈક નવું શિખવા મળ્યું. પાછલાં 23 વર્ષ મારા જીવનના સૌથી સંતોષજનક, ચુનૌતિપૂર્ણ અને આનંદદાયક વર્ષ રહ્યા. પૂરી યાત્રાનો આનંદ લીધો. તેનો અંત થવાનો જ હતો. આજે એ દિવસ છે જ્યારે હું આંતરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપમાંથી સંન્યાસ લઈ રહી છું.