કેન્દ્રના આરોગ્ય મંત્રી અને સૌરાષ્ટ્રના સાંસદ મન્સુખ માંડવીયાની આજે રવિવાર, તા.6 માર્ચ 2022ની સુરતની મુલાકાત છેલ્લી ઘડીએ રદ થતાં સુરતમાં સરકારી મેડીકલ કોલેજના નવા ભવનની ઉદઘાટન વિધીથી લઇને શહેરમાં યોજાયેલા અનેક સરકારી, ખાનગી કાર્યક્રમો આજે સવારે રદ કરી દેવાયા હોવાની માહિતી સરકારના અધિકૃત માહિતી ખાતા દ્વારા જારી કરવામાં આવી હતી. મન્સુખ માંડવીયાની સુરત મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી તમામ પૂર્વતૈયારીઓ પણ આ સાથે જ વ્યર્થમાં ગઇ હતી.
સુરતમાં આજે રવિવાર, તા.6 માર્ચ 2022ના રોજ કેન્દ્રીય આરોગ્ય-પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે નવી સિવિલ હોસ્પિટલના પરિસરમાં નવનિર્મિત મેડિકલ કોલેજના ભવનનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ માટે ભપકાદાર તામઝામ કરવામાં આવ્યા હતા જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ, મન્સુખ માંડવીયાએ એકાએક દિલ્હી જવાનું થતા તેમના સુરત ખાતેના આજના તમામ કાર્યક્રમો રદ કરી દેવાની ઘોષણા કરવામાં આવી હતી.
અલથાણ, ભીમરાડ ખાતે સ્વ.પદ્માબેન એચ. હોજીવાલા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે 12.00 વાગ્યે બારડોલી તાલુકાના ટુંડી ગામના એડન હોમ્સ ખાતે ઉત્તર ગુજરાત 42 લેઉવા પાટીદાર સમાજ આયોજિત સ્નેહમિલનમાં હાજરી આપવાના હતા. સાંજે કતારગામ, આંબાતલાવડી રોડ ખાતે પાટીદાર સમાજની વાડીના સભાખંડમાં સરદારધામ આયોજિત ‘યુવા સંગ વિચાર સંગોષ્ઠિ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા.