
ઉત્તરાખંડના હરિદ્વારમાં રવિવારે (27 જુલાઈ) સવારે 9 વાગ્યા આસપાસ મનસા દેવી મંદિરમાં નાસભાગ મચી હતી. જેમાં 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મંદિરના દાદર પર દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ વચ્ચે શોર્ટ સર્કિટની અફવા ઉડી અને ભીડ બેકાબૂ થઈ ગઈ. હાલ, હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
તંત્રનું આ મામલે કહેવું છે કે મંદિરમાં ભારે ભીડ એકઠી થઇ હતી જેના કારણે નાસભાગની સ્થિતિ સર્જાઈ. ઘટનાની જાણકારી મળતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્યવાહી શરૂ કરી હતી.
ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થયા બાદ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. આ નાસભાગમાં 6 લોકોના મોત થયા છે. હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના મંદિરના પગથિયાવાળા રસ્તે બની હતી. એવી શંકા છે કે પગથિયામાં વીજળીનો કરંટ આવતો હતો, જેના લીધે શ્રદ્ધાળુઓમાં ગભરાટને કારણે નાસભાગ મચી ગઈ હતી. ગઢવાલના ડીસી વિનય કુમારે જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે X પર લખ્યું કે, ‘હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગની ઘટના અંગેના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. ઉત્તરાખંડની એસડીઆરએફ, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. હું આ સંદર્ભે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હું માતા રાણીને બધા ભક્તોની સલામતી માટે પ્રાર્થના કરું છું.’ વડાપ્રધાન મોદીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.