CIA ALERT

Kangana Politics Archives - CIA Live

August 27, 2024
kangana.png
1min130

ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતના ખેડૂતોને લગતા વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. કંગનાના નિવેદન પર યુનાઇટેડ કિસાન મોરચા ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓ ભાજપ પર આકરા પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પણ કંગનાનું નામ લીધા વિના તેની ટીકા કરી છે.

રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરી

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી લખ્યું કે, ‘આ શરમજનક ખેડૂત વિરોધી શબ્દો પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિત સમગ્ર દેશના ખેડૂતોનું અપમાન છે, જે કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. ખેડૂતોનું આંદોલન પાછું ખેંચતી વખતે રચાયેલી સરકારી સમિતિ હજુ પણ કોલ્ડ સ્ટોરેજમાં છે, સરકાર એમએસપી પર આજ સુધી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકી નથી, શહીદોના પરિવારોને કોઈ રાહત આપવામાં આવી નથી. અન્નદાતાઓનો અનાદર કરીને અને તેમની ગરિમા પર પ્રહાર કરીને મોદી સરકાર દ્વારા ખેડૂતો સાથે કરાયેલો વિશ્વાસઘાત છુપાવી શકાય તેમ નથી. નરેન્દ્ર મોદી અને ભાજપ ગમે તેટલું કાવતરા કરે, પરંતુ ઇન્ડિ ગઠબંધન ખેડૂતોને એમએસપીની કાયદેસર ગેરંટી આપવાનું ચાલુ રાખશે.’

મલ્લિકાર્જુન ખડગેનો પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કંગનાના નિવેદનને લઈને ભાજપ અને પીએમ મોદીને ઘેર્યા છે. ટ્વિટર પર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ પોતે સંસદમાં ખેડૂતોને “આંદોલનકારી” અને “પરજીવી” ગણાવ્યા હતા. સંસદમાં શહીદ ખેડૂતો માટે બે મિનિટનું મૌન પાળવાનો પણ ઇનકાર કર્યો હતો. મોદીજીએ એમએસપી પર કમિટી બનાવવા અને ખેડૂતોની આવક બમણી કરવાનું ખોટું વચન પણ આપ્યું હતું. જ્યારે મોદીજી પોતે આ બધું કરી શકે છે, તો પછી દેશ તેમના સમર્થકો પાસેથી શહીદ ખેડૂતોના અપમાન સિવાય બીજી શું અપેક્ષા રાખી શકે? આ શરમજનક અને અત્યંત નિંદનીય ખેડૂત વિરોધી વિચારધારા મોદી સરકારનો ડીએનએ છે.’

ખેડુત નેતા ટિકૈતે નિવેદન આપ્યું

કંગનાના નિવેદનની ટીકા કરતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું, ’13 મહિનાના ખેડૂતોના આંદોલનમાં 400 ખેડૂત સંગઠનો અને લાખો ખેડૂતોની હાજરી હોવા છતાં હિંસા નથી થઇ, 700થી વધુ ખેડૂતો શહીદ થયા, પરંતુ ખેડૂતોએ પોતાનો સંયમ નથી ગુમાવ્યો. તે અંગે બીજેપી સાંસદ કંગના રણૌતનું નિવેદન શહીદ ખેડૂતો અને દેશના કરોડો ખેડૂતોનું અપમાન છે.’

ભાજપે કંગના રણૌતના નિવેદનથી અસંમતિ વ્યક્ત કરીને પોતાને દૂર કરી છે, ભાજપના સેન્ટ્રલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, પાર્ટીએ મંડીના સાંસદને ભવિષ્યમાં આવું કોઈ નિવેદન ન આપવા માટે પણ સૂચના આપી હતી.

શું હતું કંગનાનું નિવેદન?

મીડિયા એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું હતું કે, ‘પંજાબમાં ખેડૂતોના આંદોલનના નામે બદમાશો હિંસા ફેલાવી રહ્યા છે અને ત્યાં બળાત્કાર અને હત્યાઓ થઈ રહી છે. જો ભાજપનું ટોચનું નેતૃત્વ મજબૂત ન રહ્યું હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઇ હોત. ત્રણ કૃષિ બિલો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, નહીં તો આ બદમાશોની ખૂબ લાંબી યોજના હતી અને તેઓ દેશમાં કંઈપણ કરી શક્યા હોત.’