
ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યનાં રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે. રાંચીમાં ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ની રેલી દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે મારમારીની કથિત ઘટનામાં સામેલ ઓળખી કઢાયેલી 51 લોકો સહિત 12000 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક નેતા સામે FIR
ઝારખંડ ભાજપના અધ્યક્ષ બાબુલાલ મરાંડી (Babulal Marandi), વિધાનસભામાં વિપક્ષના નેતા અમર કુમાર બાઉરી (Amar Kumar Bauri), કેન્દ્રીય મંત્રી સંજય સેઠ (Sanjay Seth) અને પૂર્વ કેન્દ્ર મંત્રી અર્જુન મુંડા (Arjun Munda) સહિત ભાજપ (BJP)ના ઘણા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કાર્યવાહી બાદ ભાજપના નેતાઓ ભડક્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન (CM Hemant Soren) સામે ગંભીર આક્ષેપ કર્યો છે.
વિનાશ કારે વિપરીત બુદ્ધિ : બાબુલાલ મરાંડી
ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ‘વિનાશ કારે વિપરીત બુદ્ધિ ! અમને માહિતી મળી છે કે, મોરાબાદી મેદાનમાં યુવા આક્રોશ રેલી યોજાઈ હતી, જેની સફળતા જોઈ મુખ્યમંત્રી હેમંત સોરેન ગભરાઈ ગયા છે અને મારા તેમજ ઝારખંડ ભાજપના નેતાઓ-કાર્યકર્તાઓ સહિત હજારો યુવા સાથીઓ પર કેસ નોંધાવ્યો છે.’
ઘટના અંગે રાંચી પોલીસે શું કહ્યું?
રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચંદન કુમાર સિંહે મીડિયાને કહ્યું કે, ‘મેજિસ્ટ્રેટ નિવેદન બાદ રાંચીના લાલપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ લોકો વિરુદ્ધ ટુંક સમયમાં કાર્યવાહી કરાશે.’ આ રેલી હેમંત સોરેન સરકારે કરેલા અન્યાય અને ચૂંટણી વચનો પૂરા કરવામાં નિષ્ફળતા વિરુદ્ધ યોજવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ભાજપ યુવા વિંગના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને બેરિકેડ્સ પણ તોડવામાં આવ્યા હતા.