
જાપાનના દક્ષિણ પશ્વિમ ટાપુઓ પર શક્તિશાળી વાવાઝોડું શાનશાનનો ખતરો મંડરાઇ રહ્યો છે. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે આગામી દિવસોમાં જાપાનના દક્ષિણ-પશ્ચિમ ટાપુઓ પર એક શક્તિશાળી વાવાઝોડું શાનશાન ટકરાશે. વાવાઝોડાને પગલે હવામાન વિભાગે ભારે વરસાદ અને ઝડપી પવનની ચેતવણી આપી હતી.
જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું તોફાન શાનશાન મંગળવારે સવારે દક્ષિણ ટાપુ અમામીથી લગભગ 130 કિલોમીટર પૂર્વમાં હતું. જ્યારે તે ધીરે ધીરે ઉત્તર તરફ ક્યૂશૂ તરફ આગળ વધી રહ્યું છે. તોફાનની ગતિ પ્રતિ કલાક 162 કિલોમીટરની છે. હજુ તોફાનને લઇને કોઇ નુકસાન થયાના અહેવાલ નથી. લોકોને આવનારા ભારે વરસાદ અને પવનને લઇને ચેતવણી આપવામાં આવી છે.
શિંકાનસેન સુપર એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરતી જાપાન રેલવે કંપનીઓએ જણાવ્યું હતું કે બુધવાર અને રવિવાર વચ્ચે જાપાનના મુખ્ય દક્ષિણી ટાપુ ક્યુશુ અને હોન્શુના મોટા ભાગોમાં સેવાઓ સ્થગિત કરવામાં આવી શકે છે.
વધુમા તેણે જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં અમામી દ્વીપ પર 400 મીમી (15.7 ઇંચ) સુધીનો વરસાદ પડી શકે છે અને બુધવારથી ગુરુવાર સુધી ક્યુશુ પ્રદેશમાં 500 મીમી (19.7 ઇંચ) સુધીનો વરસાદ પડી શકે છે. ક્યુશુ પ્રદેશના માછીમારોએ સોમવારે તેમની બોટને પોર્ટ્સ પર બાંધી દીધી હતી.