
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની બિનહરીફ પસંદગી થઈ છે. અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પક્ષ તરફથી અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરિફ જીત થઈ છે. જેને લઈને આવતીકાલે (4 ઓક્ટોબર) સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા કમલમ ખાતે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને પદગ્રહણ સમારોહ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહેશે.
4/10/25 સવારે અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના જગદીશ પંચાલના નિવાસ્થાનેથી ગાંધીનગર સુધી રેલી યોજાશે. અમદાવાદના તમામ ધારાસભ્યો, સાંસદો અને કાર્યકર્તાઓ સાથે તેઓ ગાંધીનગર પહોંચશે.
ગુજરાત ભાજપમાં હવે અમદાવાદનો દબદબો વધી જશે કેમ કે મુખ્યમંત્રી બાદ વધુ એક મહત્ત્વનો હોદ્દો અમદાવાદના નેતાને મળવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે જગદીશ અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય છે.
જગદીશ પંચાલની જીતના કઈ વાતથી મળ્યા સંકેત?
જગદીશ પંચાલે ઉમેદવારી ફોર્મ ભરતાંની સાથે જ ભાજપના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાનો દોર શરુ થઈ ગયો છે. ભાજપના વરિષ્ઠ નેતા બાબુ જમનાદાસ અને સુરેશ પટેલે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત ઉદય કાનકડે જગદીશ પંચાલને ઉમેદવારી પત્ર સોંપ્યું હતું.