
ભારતના સ્ટાર ક્રિકેટર સચિન તેંદૂલકર જેનું આયોજન કરી રહ્યા છે એ ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLની સીઝન 3ની ફાઇનલ સમેતની તમામ મેચો રમાડવા માટે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની પસંદગી કરવામાં આવી છે. ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLનો આરંભ તા.9મી જાન્યુઆરી 2026થી થશે અને તા.6 ફેબ્રુઆરી 2026એ ફાઇનલ સાથે પૂર્ણાહૂતિ થશે. ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLના મુખ્ય આયોજક સચિન તેદૂલકર છે જ્યારે રવિ શાસ્ત્રી ચીફ મેન્ટર છે.
પત્રકાર પરીષદને સંબોધતા એસડીસીએના ડો. નૈમિષ દેસાઇ, વાઇસ પ્રેસિડેન્ટ અમિત ગજ્જર, સેક્રેટરી હિતેશ પટેલ વગેરેએ જણાવ્યું હતું કે સચિન તેદૂલકર સમેતના આયોજકોની એક ટીમે તાજેતરમાં સુરતના લાલભાઇ સ્ટેડીયમની મુલાકાત લીધી હતી અને તમામ પ્રકારની સુવિધાઓ ચકાસી હતી. એ પછી જાહેરાત કરવામાં આવી છે કે સમગ્ર ટુર્નામેન્ટની સીઝન-3 સુરતમાં રમાડવામાં આવશે. ઇન્ડીયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL T-10 એવી ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે ટેનિસ બોલથી રમાય છે અને તેમાં ભાગ લેતી ટીમોના માલિકોમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, સલમાન ખાન, હ્રિતીક રોશન, અજય દેવગન, અક્ષયકુમાર, કરીના કપૂર જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. ઇન્ડીયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL T-10 સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં રમાવાની હોઇ, સ્ટેડીયમ મેનેજમેન્ટ દ્વારા અત્યારથી જ તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL સીઝન થ્રીમાં કુલ આઠ ટીમો ભાગ લેશે અને તેમાં રમવા માટે દેશભરમાંથી કુલ 45 લાખ યુવાઓએ નોંધણી કરાવી છે અને તેમાંથી 350 ખેલાડીઓને સિલેક્ટ કરવા માટે ગઇ તા.6 ઓક્ટોબરથી સ્ક્રીનીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.


