
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૯ માસ આઈપીઓ માટે ઐતિહાસિક સમય સાબિત થયો હતો. અત્યાર સુધી કુલ ૫૦ કંપનીઓએ રૂ. ૧.૧૫ લાખ કરોડનું ફંડ આઈપીઓ દ્વારા એકત્ર કર્યું છે. જો કે, હાલ તેમાંથી ૩/૪ આઈપીઓમાં રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. પ્રાઈમ ડેટાબેઝના આંકડાઓ અનુસાર, ૫૦માંથી ૩૬ કંપનીઓના સ્ટોક લિસ્ટિંગ પ્રાઈસ સામે ઘટ્યા છે. જે રોકાણકારોએ લિસ્ટિંગ દરમિયાન આઈપીઓમાં રોકાણ કર્યું હતુ તેઓને ખોટ થઈ છે. તેમાં ૩૬માંથી ૨૨ આઈપીઓ ઈશ્યૂ પ્રાઈસ સામે ઓછું રિટર્ન આપી રહ્યા છે.
ગયા વર્ષે આવેલા મોટાભાગના આઈપીઓની કિંમત વધુ હતી. જો બજારમાં તેજીના કારણે ઓવર વેલ્યુએશન ધરાવતા આઈપીઓ પણ ઓવરસબસ્ક્રાઇબ થઈ જાય છે. આવી સ્થિતિમાં, મંદીના સમયગાળા દરમિયાન તેની કિંમતમાં મોટાપાયે ઘટાડો થતો હોય છે. મોટાભાગના શેર જે હાલમાં લિસ્ટિંગ કિંમત અથવા ઈશ્યુ પ્રાઈસથી નીચે છે તે પેટીએમ અને ઝોમેટો જેવી ન્યુ એજ કંપનીઓ છે. તેઓ હજુ સુધી નફાકારક બની નથી. અત્યારના પડકારજનક સંજોગોમાં આવા શેરોની સ્થિતિ કથળે છે. પેટીએમ અને કારટ્રેડમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.