
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓએ 27/01/2026 આજે નવી દિલ્હીમાં ભારત-યુરોપની ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપ્યું. આશરે 18 વર્ષ લાંબી વાટાઘાટો બાદ આજે આખરે આ ડીલ પર મહોર વાગી. આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહેવામાં આવે છે, જે દુનિયાની 25 ટકા GDPનું પ્રતિનિધિત્વ કરે છે. ફ્રી ટ્રેડ ડીલમાં સૌથી મોટી જાહેરાત ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતી છે, જે અંતર્ગત યુરોપથી ભારત આવતી કાર પર ટેક્સ ઘટાડીને 10 ટકા કરાશે.
તમને જણાવી દઈએ કે, યુરોપિયન યુનિયનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. આ બંને નેતા ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે જ ભારત આવી ગયા હતા. આ મુદ્દે બંને પક્ષે 26 જાન્યુઆરીએ જ ફ્રી ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો શરૂ કરી હતી, જેને 27 જાન્યુઆરીએ આયોજિત 16માં શિખર સંમેલનમાં અંતિમ રૂપ અપાયું હતું. યુરોપ આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહે છે.
ભારત-યુરોપની સંયુક્ત પત્રકાર પરિષદમાં PM મોદીએ કહ્યું હતું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓએ આજે નવો અધ્યાય સ્થાપિત કર્યો. છેલ્લા ઘણાં વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા હતા. આજે આ સંબંધોને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. ભારતે આજે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એગ્રીમેન્ટ સમૃદ્ધિની નવી બ્લૂપ્રિન્ટ છે. ભારત અને યુરોપની આ ડીલ ઈન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે. આ સિવાય અમે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો-પેસિફિક સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.
ભારત-યુરોપ ટ્રેડ ડીલની સૌથી મોટી જાહેરાતો
- મેડિકલ અને સર્જીકલ ઉપકરણોમાં 90 ટકા પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ નહીં લેવાય.
- યુરોપના ફ્રૂટ જ્યૂસ પર 100%, મશીનરી પર 44% અને કેમિકલ પર 22% ટેરિફ નાબૂદ
- યુરોપથી આવતી દવાઓ પર 44 ટકા સુધીનો ટેક્સ લેવાય છે, જે નાબૂદ કરાશે.
- યુરોપના બિયર પર 50%, લિકર પર 40% અને વાઈન પર 30% ટેરિફ નાબૂદ કરાશે
- આગામી બે વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે યુરોપ ભારતને 500 મિલિયન યુરો આપશે.
- યુરોપની ફાઈનાન્શિયલ કંપનીઓમાં ભારતીયોને સરળતાથી એન્ટ્રી મળશે.
- મેરિટાઈમ, બેન્કિંગ, શિપિંગ સેવાઓ સસ્તી થશે.
- 2032 સુધીમાં ભારત-યુરોપ વેપાર બમણો કરવાનું લક્ષ્ય.
- ભારતમાં ગ્રીન ટેકનોલોજી અને ક્લિન એનર્જીમાં પ્રોત્સાહન આપવામાં યુરોપ મદદ કરશે.
યુરોપથી આવતી કાર પર માત્ર 10 ટકા ટેક્સ
સૌથી મોટી અસર કાર બજાર પર પડશે. ભારત હાલમાં યુરોપિયન કાર પર લગભગ 70 ટકા જેટલો ટેક્સ વસૂલે છે, જેને તબક્કાવાર ઘટાડીને માત્ર 10 ટકા કરી દેવામાં આવશે. ટ્રાન્ઝિશન પીરિયડ દરમિયાન દર વર્ષે અઢી લાખ વાહનોના ક્વોટાની મર્યાદા રહેશે. આનાથી ભારતમાં લક્ઝરી કારોના ભાવમાં ધરખમ ઘટાડો થશે.
એવિયેશન સેક્ટરમાં પણ ટેરિફ નાબૂદીની જાહેરાત
એરક્રાફ્ટ અને સ્પેસક્રાફ્ટ સેક્ટરમાં લગભગ તમામ ટેરિફ નાબૂદ કરવામાં આવશે, જે ભારતના એવિયેશન સેક્ટર માટે ફાયદાકારક સાબિત થશે.
ભારતમાં યુરોપની વાઈન અને બિયર સસ્તી થશે
ઓલિવ ઓઈલ અને અન્ય વનસ્પતિ તેલ કોઈ ટેક્સ વસૂલવામાં આવશે. યુરોપથી આવતી વાઈન પર વસૂલાતો ટેક્સ 150 ટકાથી ઘટાડીને 20થી 30 ટકા, બિયર પરનો ટેક્સ 110 ટકાથી ઘટાડીને 50 ટકા તથા સ્પિરિટ પરનો ટેક્સ ઘટાડીને 40 ટકા કરાયો છે. જેથી ભારતીય પ્રીમિયમ આલ્કોહોલ બજારમાં પ્રતિસ્પર્ધા વધશે. ફ્રૂટ જ્યુસ પર પણ 100 ટકા ટેક્સનો ઘટાડો કરાશે.
આ ડીલથી રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે
આ ડીલથી ભારત અને યુરોપના અર્થતંત્રમાં રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે. આજે સત્તાવાર જાહેરાત બાદ તબક્કાવાર ડીલ લાગુ કરાશે.
આ ડીલ બાદ ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં ધરખમ વધારો થશે. ઓટોમોબાઈલ, વાઈન, સ્પિરિટ્સ સહિતના સેક્ટર્સમાં પણ ડીલ કરાશે. જેમાં ભારતમાં યુરોપિયન વાહનો પર ટેરિફ ઘટાડવામાં આવી શકે છે. જ્યારે યુરોપ ભારતીય ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, જ્વેલરી, બિયર-વાઈન, સ્પિરિટ સહિતની વસ્તુઓ પર ટેરિફમાં રાહત આપશે.
ભારત-યુરોપ વચ્ચે 2025માં 136.53 અબજ ડૉલરનો વેપાર
વર્ષ 2025માં ભારત અને યુરોપ વચ્ચે કુલ 136.53 અબજ ડોલરનો વેપાર થયો. ભારતે 60.7 અબજ ડોલરનો સામાન આયાત કર્યો જ્યારે 75.9 અબજ ડોલરના સામાનની નિકાસ કરી. એવામાં ટ્રેડ ડીલમાં ટેરિફમાં ઘટાડો થતાં ઉપભોક્તા અને ઉત્પાદક બંનેને લાભ થશે.
ભારત યુરોપથી હાઈ કેટેગરી મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, વિમાન, મેડિકલ ઉપકરણ વગેરે આયાત કરે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, સ્માર્ટફોન, કાપડ, ફાર્મા પ્રોડક્ટ્સ, જ્વેલરી, લોખંડની નિકાસ કરવામાં આવે છે. એવામાં આ ડીલમાં 90 ટકા સામાન પર ટેરિફ ઓછો અથવા નહિવત થઈ શકે છે. આ સેક્ટરમાં કામ કરતાં ઉદ્યોગો અને બિઝનેસમેનને તેનો મોટો લાભ મળશે.
યુરોપના કુલ 27 દેશના બજારમાં ભારતની પહોંચ વધશે
- યુરોપના 45 કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીઓની સીધી એન્ટ્રી થશે
- ટેક્સ ઓછો થવાના કારણે ભારતની નિકાસ વધશે
- યુરોપની કંપનીઓ ભારતમાં રોકાણ વધારશે, FDI વધશે
- નિકાસ અને રોકાણના કારણે રોજગાર વધશે
- સપ્લાય ચેઈનમાં સુધારો થતાં ચીન પરની નિર્ભરતા ઘટશે

