જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
તાજેતરમાં સંપન્ન થયેલી ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓમાં સુરત શહેર પાસે 5200 સી.એ.નું જંગી સંખ્યાબળ હોવા છતાં સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં સુરતના બન્ને ઉમેદવારો હાર્દિક શાહ અને બાલકૃષ્ણ અગ્રવાલ ચૂંટણી હારી ગયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાવા માટે 4100 મતોનો ક્વોટા હતો તેની સામે એકલા સુરત ચેપ્ટર-બ્રાન્ચમાં 5200થી વધુ સી.એ. (મતદારો) હોવા છતાં બન્ને ઉમેદવારો હારી જતા 9 વર્ષ પછી સુરત જેવા મહત્વના ચેપ્ટર-બ્રાન્ચનું પ્રતિનિધિત્વ સેન્ટ્રલ કાઉન્સિલમાં રહ્યું નથી. આ વખતે સુરતમાંથી વિક્રમી સંખ્યામાં 3500થી વધુ સી.એ.એ મતદાન કર્યું હોવા છતાં સુરતમાંથી એકપણ ઉમેદવાર સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી જીતી શક્યા નથી. આશ્ચર્યની વાત એ છે કે સુરતથી નાની બ્રાન્ચ ગણાતા વડોદરા કે જ્યાં ફક્ત 2500 સી.એ. (સુરતથી અડધા) અને ઔરંગાબાદ કે જ્યાં ફક્ત 1000 સી.એ. છે ત્યાંના સી.એ. પણ સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી જીતવામાં સફળ નિવડ્યા છે.
હાલમાં જય છૈરા છેલ્લા 9 વર્ષ (ત્રણ ટર્મ)થી આઇ.સી.એ.આઇ.ની સેન્ટ્રલ કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમની ટર્મ આગામી તા.12મી ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ રહી છે.
નેટવર્કિંગથી વેસ્ટર્ન કાઉન્સિલની ચૂંટણી જીત્યા ઇશ્વર જીવાણી

આઇ.સી.એ.આઇ.ની વેસ્ટર્ન રિજિયન કાઉન્સિલમાં સુરતમાંથી સી.એ. ઇશ્વર જીવાણી ચૂંટણી લડ્યા હતા, ગતરોજ જાહેર થયેલા પરીણામોમાં તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. એક તરફ સુરતમાંથી સેન્ટ્રલ કાઉન્સિલમાં હાર્દિક શાહ અને બાલકૃષ્ણ અગ્રવાલ બન્ને ઉમેદવારો ચૂંટણી હારી ગયા છે તો બીજી તરફ સુરતના ઇશ્વર જીવાણીએ વેસ્ટર્ન કાઉન્સિલની ચૂંટણી જીતીને સુરતનો રંગ રાખ્યો છે. ઇશ્વર જીવાણીએ સુરતમાંથી તો મતો મેળવ્યા સાથોસાથ તેમને સૌરાષ્ટ્રના સી.એ. તેમજ અમદાવાદ ખાતેથી પણ સારી સંખ્યામાં સી.એ.ના મતો મેળવી શક્યા છે જે તેમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શક્યા છે.
5200 મતો હોવા છતાં સુરતના ઉમેદવારોની સેન્ટ્રલ કાઉન્સિલમાં હારના અનેક કારણો
સુરતમાં હાલ કુલ 5200 સી.એ. સક્રિયા છે અને આ તમામ તાજેતરમાં યોજાયેલી આઇ.સી.એ.આઇ.ની ચૂંટણીની મતદાર યાદીમાં સમાવિષ્ટ હતા. આ વખતની ચૂંટણીમાં સુરતમાંથી અંદાજે 3500 જેટલા સી.એ. એ રેકોર્ડ બ્રેક મતદાન કર્યું હતું. પરંતુ, હાર્દિક શાહ કે બાલકૃષ્ણ અગ્રવાલ મતદારોને રીઝવવામાં નિષ્ફળ નિવડ્યા છે. રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી શકે તેટલું ટેકનિકલ નોલેજ, એપીરીયન્સ, નેટવર્કિંગ અને એક્સેપ્ટન્સ હોય તેવા ઉમેદવારો જ આઇ.સી.એ.આઇ.ની ચૂંટણીમાં જીતી શકે છે.
વડોદરા બ્રાન્ચમાં 2400 સી.એ. છતાં ત્યાંના ઉમેદવારનો વિજય
આઇ.સી.એ.આઇ.ની ચૂંટણીમાં આ વખતે સુરતના સી.એ. ફ્રેટરનિટીએ વિચારવા જેવી સ્થિતિ પેદા થઇ છે. કેમકે સુરતથી નાની બ્રાન્ચ ગણાતા વડોદરામાં ફક્ત 2400 સી.એ. (વોટર) હોવાછતાં વડોદરાના સી.એ. સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે. સુરતના ઉમેદવારો અને વડોદરાના ઉમેદવાર વચ્ચે ફરક એટલો જોઇ શકાયો છે કે વડોદરાના ઉમેદવારએ અમદવાદ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાંથી અનેક મતદારોના મત મેળવવામાં સફળતા સાંપડી છે. અત્રે એ ઉલ્લેખનીય છેકે વડોદરા બ્રાન્ચમાંથી પહેલી વખત કોઇ ઉમેદવાર સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે.