ગુજરાત ટાઇટન્સ અહીં 30/5/22 રવિવારે રાતે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ફાઇનલ જીતીને ચેમ્પિયન બન્યું હતું.

રાજસ્થાન રોયલ્સે પ્રથમ બૅટિંગ કરીને ૨૦ ઑવરમાં નવ વિકેટ ગુમાવીને ૧૩૦ રન કર્યા હતા અને તેના જવાબમાં ગુજરાત ટાઇટન્સે ૧૮.૧ ઑવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ૧૩૩ રન કર્યા હતા અને તેનો સાત વિકેટથી વિજય થયો હતો.
ગુજરાત ટાઇટન્સના વૃદ્ધિમાન સાહા (પાંચ રન) અને મેથ્યુ વેડ (આઠ રન)ની વિકેટ પડ્યા બાદ હાર્દિક પંડ્યા (૩૪ રન) અને શુભમન ગિલ (૪૩ બૉલમાં ૪૫ રન)એ બાજી સંભાળી લીધી હતી.
ડેવિડ મિલરે ફટકાબાજી કરીને ૧૯ બૉલમાં ૩૨ રન કર્યા હતા. છેલ્લે ૧૧ બૉલ બાકી હતા ત્યારે ગુજરાત ટાઈટન્સનો વિજય થયો હતો.
અગાઉ, રાજસ્થાન રોયલ્સની પ્રારંભિક જોડીએ સારી શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલે ૧૬ બૉલમાં ૨૨ અને જોસ બટલરે ૩૫ બૉલમાં ૩૯ રન કર્યા હતા. સંજુ સેમ્સને ૧૪, શિમરન હેટમેયરે ૧૧, રિયાન પરાગે ૧૫ અને ટ્રેન્ટ બોલ્ટે ૧૧ રન કર્યા હતા.
હાર્દિક પંડ્યાએ ૧૭ રન આપીને રાજસ્થાનની ત્રણ વિકેટ લીધી હતી. સાઇ કિશોરે બે, મહંમદ શમીએ એક, યશ દયાલે એક અને રાશીદ ખાને એક બૅટ્સમેનને આઉટ કર્યા હતા.
ગુજરાત ટાઈટન્સે પોતાની પ્રથમ આઈપીએલ સીઝનમાં જ આ ભવ્ય વિજય મેળવ્યો હતો. અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ જોવા મોટી સંખ્યામાં દર્શકો આવ્યા હતા.
ઘરઆંગણે (અમદાવાદમાં) થયેલા આ વિજયની ગુજરાતીઓએ આખી રાત નાચગાન સાથે ઉજવણી કરી હતી.