
ભારતમાં કુલ્લ જીએસટી વસૂલાતમાં નવો વિક્રમ સર્જાયો છે. વસ્તુ અને સેવાકર (જીએસટી) વસૂલાતથી એપ્રિલ 2022માં દેશની સરકારને કુલ્લ 1.67 લાખ કરોડથી વધુ કમાણી થઇ છે. એવું પહેલીવાર થયું છે, જ્યારે જીએસટી વસૂલાત 1.50 લાખ કરોડને આંબી ગઇ છે. એપ્રિલ 2022માં રૂા. 1,67,590 કરોડની વસૂલાત થઇ છે.
માર્ચ મહિનામાં’ 1,42,095 કરોડ રૂપિયા જીએસટી વસૂલાત થઇ હતી, જે અગાઉના મહિનાઓ કરતાં સૌથી વધુ હતી.
એપ્રિલ 2021માં જીએસટીરૂપે વસૂલાત રૂા. 1,39,708 કરોડ થઇ હતી. આમ, વાર્ષિક આધાર પર જીએસટી વસૂલાતમાં 20 ટકા વધારો આવ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તામિલનાડુ અને’ ઉત્તરપ્રદેશ એ પાંચ રાજ્યોમાં સૌથી વધુ વસૂલાત થઇ છે. એક વર્ષના ગાળામાં મહારાષ્ટ્રમાં 25 ટકા, કર્ણાટકમાં 19,’ ગુજરાતમાં 17 ટકા, ઉત્તરપ્રદેશમાં 16, તામિલનાડુમાં 10 ટકા વસૂલાત વધી છે. ખાસ ઉલ્લેખનીય છે કે, છૂટક તેમજ જથ્થાબંધ મોંઘવારીમાં વિક્રમસર્જક વધારા વચ્ચે જીએસટી વસૂલાતે વિક્રમ સર્જ્યો છે.