
ઇઝરાયલ દ્વારા ગાઝામાં થઇ રહેલા પેલેસ્ટિનિયન નાગરીકોના નરસંહાર સામે દુનિયાભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા (Genocide in Gaza) છે. ભારત સહીત ઘણા દેશો હુમલા તાત્કાલિક રોકવા અને ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચવા દેવા ઇઝરાયલને અપીલ કરી છે. એવામાં ફ્રાન્સે મહત્વ પૂર્ણ પગલું ભર્યું છે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી કે ફ્રાન્સ પેલેસ્ટાઇનને એક અલગ દેશ તરીકે માન્યતા (Emmanuel Macron about Palestinian state) આપશે. ઘણા દેશોએ આ નિર્ણયનું સ્વગાત કર્યું છે, જ્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એ રોષ વ્યક્ત કર્યો છે.
ગત સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક પોસ્ટમાં ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવ રજુ કરશે. સાથે તેમણે યુદ્ધ તાત્કાલિક બંધ કરવા અને લોકોને બચાવવાની હાકલ કરી છે. G-7 સભ્યોમાં આવું કરનાર ફ્રાન્સ પહેલો દેશ છે.
મેક્રોને X લખ્યું, “આપણે તાત્કાલિક યુદ્ધવિરામ કરાવવો પડશે, બધા બંધકોને મુક્ત કરવામાં આવે, ગાઝાના લોકોને મોટા પાયે માનવતાવાદી સહાયની જરૂર છે. આપણે ગાઝાને સુરક્ષિત બનાવવું પડશે અને તેનું પુનર્નિર્માણ કરવું જોઈએ અને પેલેસ્ટાઇનને રાજ્ય બનાવવું જોઈએ.”