
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધ સાયલન્ટ થ્રેટ – અન્ડરસ્ટેન્ડીંગ એન્ડ પ્રિવેન્ટીંગ સડન કાર્ડિયાક ડેથ વિષે સેશન યોજાયું
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ર૧ જુલાઇ ર૦રપના રોજ સાંજે ૪:૦૦ કલાકે સંહતિ, સરસાણા ખાતે ધ સાયલન્ટ થ્રેટ – અન્ડરસ્ટેન્ડીંગ એન્ડ પ્રિવેન્ટીંગ સડન કાર્ડિયાક ડેથ વિષે સેશન યોજાયું હતું, જેમાં કિલનિકલ ડાયટિશ્યન એન્ડ ફંકશનલ મેડિસિન ડોકટર રીમા અગ્રવાલે વિસ્તૃત જાણકારી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં કર્મચારીઓની ફિટનેસ અને આરોગ્ય એ દરેક ઉદ્યોગ અને સંસ્થાઓ માટે એક મૂલ્યવાન સંપત્તિ છે. અચાનક હાર્ટએટેકની ઘટનાઓમાંથી બચવા માટે કામકાજની જગ્યા પર નિયમિત હેલ્થ ચેકઅપ, ફિટનેસ અવેરનેસ અને ઇમરજન્સી રિસ્પોન્સની સુવિધા હોવી અનિવાર્ય છે. ઉદ્યોગ સાહસિકોએ પણ પોતાની સાથે કર્મચારીઓના આરોગ્યને પણ પ્રાથમિકતા આપવી જોઈએ, જેથી ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદકતા સાથે સાથે કર્મચારીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ શકે.
કિલનિકલ ડાયટિશ્યન એન્ડ ફંકશનલ મેડિસિન ડોકટર રીમા અગ્રવાલે જણાવ્યું હતું કે, સડન કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક બંને વસ્તુ જુદી જુદી છે. હાર્ટ એટેકમાં હૃદયને ઓકિસજન યુકત લોહીનો સપ્લાય મળતો બંધ થઇ જાય છે ત્યારે હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેકમાં હાર્ટ બીટ ચાલુ હોય છે. જ્યારે કાર્ડિયાક એરેસ્ટમાં હાર્ટ બીટ બંધ થઇ જાય છે અને અચાનકથી વ્યકિતનું મૃત્યુ થઇ જાય છે. વધુ પડતો ઠંડો પરસેવો આવવો, હૃદયમાં દુઃખાવો થવો, ચકકર આવવા જેવા હાર્ટ એટેકના લક્ષણો છે. જો આવું થાય તો તુરંત મેડીકલ હેલ્પ લેવી જોઇએ. હાર્ટ એટેકના કેટલાક કિસ્સાઓમાં સમયસર સારવાર નહીં મળવાથી વ્યકિતનું કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થઇ જાય છે અને હાર્ટ એટેકનો કેસ કાર્ડિયાક એરેસ્ટમાં પરીણમે છે.
ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર ભારતમાં થનારા કુલ મૃત્યુના રેશિયોમાં ૧૦૦માંથી રપથી ૩૦ જણાના મોતની પાછળ સડન કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક કારણભુત હોય છે. આવી રીતે ભારતમાં દર વર્ષે પાંચથી સાત લાખ લોકોની મૃત્યુ માત્ર કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકને કારણે થઇ જાય છે. વિદેશોમાં કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકની ઘટનામાં ૧૦થી ૧ર ટકા લોકોનો જીવ બચી જાય છે, જ્યારે ભારતમાં આ પ્રમાણ ર ટકાથી પણ ઓછું છે, જે ગંભીર બાબત છે.
તેમણે જણાવ્યું હતું કે, સડન કાર્ડિયાક એરેસ્ટ એ જીવનશૈલી સંબંધિત લાંબા ગાળાના કારણોનું પરિણામ હોય છે. હાલ યુવાનોનું કાર્ડિયાક એરેસ્ટને કારણે અચાનક મૃત્યુ થઇ રહયું છે. એમાં સૌથી મોટું કારણ યોગ્ય આહારનો અભાવ છે. ફાસ્ટ ફૂડ અને ફ્રોઝન ફૂડને કારણે લોકોનું આરોગ્ય ધીમે ધીમે બગડી રહયું છે અને ૧૦૦થી ૧૧૦ વર્ષ સુધી જીવનારા લોકોનું આયુષ્ય ઘટી રહયું છે. યોગ્ય આહારના અભાવની સાથે સાથે શરીરને વ્યાયામની અછત, તણાવ અને અનિયમિત ઊંઘ આ બધું પણ હૃદય પર દબાણ ઊભું કરે છે.
તેમણે વધુમાં કહયું હતું કે, આજે આપણે માત્ર રોગનું નિદાન જ જરૂરી નહીં પણ આરોગ્યની સંપૂર્ણ કાળજી રાખવાની જરૂર છે. યોગ્ય આહાર, પૂરતી ઊંઘ, તણાવથી મુક્ત જીવનશૈલી અને સમયસર થયેલી સ્ક્રિનિંગ્સ હાર્ટ એટેક જેવા જોખમોને ટાળી શકે છે.
ચેમ્બરની આયુષ કમિટીના ચેરપર્સન ડો. મન્શાલી તિવારીએ વકતાનો પરિચય આપી સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. આયુષ કમિટીના કો–ચેરપર્સન ડો. પારૂલ પટેલે સેશન વિષે માહિતી આપી હતી. જ્યારે કમિટીના કો–ચેરમેન ડો. નિપેશ પટેલે સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.