
મહારાષ્ટ્ર સરકારના મહેસૂલ વિભાગે એક મોટું પગલું ભર્યું છે. સરકારે જમીનના 7/12 અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ડિજિટલ 7/12, 8-A અને ફેરફાર ઉતારાને કાયદેસર માન્યતા આપી છે. હવે લોકોને તલાટી ઓફિસ જવાની જરૂર નથી, ફક્ત ₹ 15માં અધિકૃત કોપી મળશે. સત્તાવાર 7/12 મેળવવા માટે લોકોને નાકે દમ આવે છે. ઘણી જગ્યાએ લાંચ આપ્યા વિના સત્તાવાર સાતબાર મળી શકતી નહતી. ક્યારેક, જો કોઈ વ્યક્તિ લાંચ આપવાનો ઇનકાર કરે છે તો તેને તલાટી ઓફિસનો ભ્રષ્ટ સ્ટાફ એવા ચકડોળે ચઢાવે કે જમીનના કામો ટલ્લે ચઢી જાય. જોકે, હવે સરકારના નવા નિર્ણયને કારણે લોકોને તલાટી કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં.
આ નિર્ણયથી સેંકડો રખડી પડેલા જમીન સંબંધિત વ્યવહારોનો તાત્કાલિક ધોરણે નિકાલ આવશે અને કરોડો લોકોને મોટો ફાયદો થશે. ડિજિટલ 7/12ને હવે કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. આ અંગે એક સરકારી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવાનું મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ માહિતી આપી હતી.
બાવનકુળેએ X પર એક પોસ્ટમાં કહ્યું છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર સરકારે ડિજિટલ 7/12, 8-A અને ફેરફાર ઉતારાને કાયદેસર રીતે માન્ય કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
આ નિર્ણયથી રાજ્યના લોકોને ઘણા ફાયદા થશે જેમ કે ડિજિટલ 7/12ને સત્તાવાર માન્યતા, સત્તાવાર કોપી ફક્ત 15 રૂપિયામાં ઉપલબ્ધ થશે, ઉપરાંત, તલાટીની સહી અને સ્ટેમ્પની જરૂર રહેશે નહીં અને ડિજિટલ સહી, QR કોડ અને 16-અંકના ચકાસણી નંબર સાથે 7/12, 8-A અને ફેરફાર ઉતારા સરળતાથી ઉપલબ્ધ થશે.
આ ડિજિટલ પ્રમાણપત્રો તમામ સરકારી, અર્ધ-સરકારી, બેંકિંગ અને ન્યાયિક કાર્યો માટે માન્ય રહેશે. આ નિર્ણય ખેડૂતો, જમીનમાલિકો અને સામાન્ય નાગરિકોને સુવિધા આપશે. અમારી સરકાર પારદર્શિતા અને ઝડપી સેવાનો એક નવો અધ્યાય લખી રહી છે. મને ખાતરી છે કે રાજ્યના લોકો આ નિર્ણયનું સ્વાગત કરશે.


