રત્નકલાકારોનું આંદોલન હવે ઉદ્યોગપતિઓ,મોટી ફેક્ટરીઓના માલિકો વિરુદ્ધમાં
ગોવિંદ ધોળકિયા, વીએસ પટેલ, લાલજીભાઇ જેવા ઉદ્યોગપતિઓ પર રત્નકલાકારોની મજૂરી વધારવાનું દબાણ

આજે તા.30મી માર્ચ 2025ને રવિવારથી સુરતના હીરા ઉદ્યોગમાં બે દિવસની હડતાળનું એલાન ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના આગેવાનોએ જાહેર કર્યું હતું. જ્યારે આ હડતાળનું એલાન આપવામાં આવ્યું ત્યારે ડાયમંડ વર્કર યુનયિન, ગુજરાતના આગેવાનોએ હડતાળ અને રેલી સરકારની વિરુદ્ધમાં હોવાની જાહેરાતો કરી હતી. પરંતુ, ગઇકાલ શનિવારથી રાજ્ય સરકાર અને પોલિસે એવી ભીંસ વધારી કે ડાયમંડ વર્કર યુનિયને આંદોલનની દિશા બદલવાની ફરજ પડી અને ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક તથા અન્ય આગેવાનોએ વારંવાર એવી જાહેરાત કરવી પડી કે રત્નકલાકારોની હડતાળ કે રેલી સરકારની વિરુદ્ધમાં નથી. પોલિસ અધિકારીઓને પણ ભાઇબાપા કરવા પડ્યા કે રેલી શાંતિપૂર્ણ રીતે કાઢીશું અને સરકાર સામે એક હરફ પણ ઉચ્ચારીશું નહીં. રેલીમાં કોઇ સાઉન્ડ સિસ્ટમ વગાડવી નહીં વગેરે સૂચના આપવામાં આવી અને એ પછી જ આજે રવિવારે સવારે કતારગામ દરવાજાથી રેલી કાઢવા માટે પોલિસે સંમતિ આપી હતી. રેલી શરૂ થઇ ત્યારે અંદાજે 150 જેટલા રત્નકલાકારો જણાતા હતા. તેમના કરતા પોલિસ અને મિડીયા પર્સન્સની હાજરી વધુ જણાતી હતી.
સુરતના હીરા ઉદ્યોગમાં આકાર લઇ રહેલું રત્નકલાકારોનું આંદોલન કહો કે હડતાળ, હવે તેનો હેતુ બદલાઇ ચૂક્યો અને ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના નેતાઓ કે જેઓ ગયા શુક્રવાર સુધી એવું કહેતા હતા કે રાજ્ય સરકાર નિષ્ક્રીય રહી છે, રત્નકલાકારો માટે અનેક વખત રજૂઆત કરવા છતાં રાજ્ય સરકારે કોઇ પગલાં લીધા ન હોઇ, હડતાળ અને રેલી સરકારની નિષ્ક્રીયતા સામે કાઢવામા આવશે. પરંતુ, જે રીતે રાજ્ય સરકાર અને પોલીસે ભીંસ વધારી એ જોતા ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાત દ્વારા પવન જોઇને શઢ ફેરવી લેતા હોય એમ હવે હડતાળ કે રેલી સરકારની વિરુદ્ધમાં નથી પરંતુ, રત્નકલાકારોના ઓછા થઇ ગયેલા મહેનતાણા વધારવા માટે છે.
સીધો અર્થ એ થાય છે કે હવે રત્નકલાકારોની હડતાળ કે આંદોલનનો રૂખ હીરાના દિગ્ગજ ઉદ્યોગપતિઓ કે જેના હાથમાં સમગ્ર હીરા ઉદ્યોગનું રિમોટ કન્ટ્રોલ છે તેમની સામે થઇ ગયો છે. સુરતના સૌથી મોટા હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા, ડાયમંડ બુર્સના પ્રવક્તા લાલજી પટેલ, કિરણ જેમ્સના વી.એસ. પટેલ વગેરે જેવા દિગ્ગજો પર હવે પ્રેશર આવશે કે તેમણે રત્નકલાકારોના પગાર, મહેનતાણા વધારવા માટે પ્રયાસ કરવા પડશે.
