CIA ALERT

Delhi CM Rekha Archives - CIA Live

August 20, 2025
image-23.png
1min48

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે જનસુનાવણી દરમિયાન હુમલો કરનારાની ઓળખ થઈ ગઈ છે. આ હુમલાખોરની તાત્કાલિક ધોરણે ધરપકડ થઈ હતી. સૂત્રો મુજબ, દિલ્હી પોલીસની પ્રારંભિક પૂછપરછમાં હુમલાખોરે પોતાનું નામ રાજેશ ખીમજીભાઈ સાકરિયા જણાવ્યું છે. તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે.

હુમલાખોરની વય 41 વર્ષની છે. આ હુમલામાં રેખા ગુપ્તાના માથા પર સામાન્ય ઈજા થઈ હોવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા રોજની જેમ સવારે સાત વાગ્યે પોતાની ઓફિસમાં જનસુનાવણી કરી રહ્યા હતા. જ્યાં રોજિંદા સેકડોં લોકો પોતાની ફરિયાદો લઈને તેમની પાસે આવે છે. આ હુમલાખોર પણ એક બેગ અને હાથમાં થોડા કાગળો સાથે મુખ્યમંત્રી નજીક આવ્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર, હુમલાખોર ફરિયાદના બહાને મુખ્યમંત્રી નજીક પહોંચ્યો હતો. શરૂઆતમાં તેણે મુખ્યમંત્રીને અમુક કાગળ આપ્યા અને બાદમાં જોર-જોરથી બુમો પાડવા લાગ્યો હતો. તે દરમિયાન જ તેણે CM રેખા ગુપ્તા પર હુમલો કરી દીધો હતો. મુખ્યમંત્રીને માથાના ભાગ પર સામાન્ય ઈજા થઈ હતી. હાલ તેઓ સુરક્ષિત છે. ભાજપ નેતાઓએ આ હુમલા પાછળ રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.

દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ આ મામલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો અક્ષમ્ય ગુનો છે. એક મહિલા, એક દિકરી જે રાત-દિવસ દિલ્હીવાસીઓની સેવામાં જોડાયેલી છે. તેના પર હુમલો કરનારા અને કરાવનારાઓ કાયર છે. બંને ગુનેગાર છે. જ્યારે ગુનેગાર તર્ક અને તથ્યોના આધારે વાત કરવા સક્ષમ ન હોય ત્યારે તે આ પ્રકારનો ગુનો કરે છે. આ અત્યંત શરમજનક અને નિંદનીય ઘટના છે. પોલીસ આ મામલે સીસીટીવી ફુટેજ તપાસી રહી છે.