
વૈશ્વિક શેર બજારોમાં કડાકાની સાથે Date 5/7/22, મોડી સાંજે ક્રુડ ઓઈલના ભાવ ૧૦ ટકાથી વધુ તૂટીને ૧૦૦ ડોલરની સપાટી અંદર ઊતરી ગયા છે. ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ભાવ મોડી સાંજે આ લખાય છે ત્યારે ૧૦૦ ડોલરની સપાટી ગુમાવીને ૧૦ ડોલર એટલે કે ૯ ટકાથી વધુ તૂટીને ૯૮.૬૩ ડોલરની સપાટી અને બ્રેન્ટ ક્રુડના ૧૦ ટકા તૂટીને ૧૦૨.૧૮ની સપાટીએ બોલાવા લાગ્યા હતા.
ફુગાવાને અંકુશમાં લેવા વિશ્વની સેન્ટ્રલ બેંકો દ્વારા કરાયેલા આક્રમક વ્યાજ દરમાં વધારાની નકારાત્મક અસર ઉદ્યોગો પર પડી રહી હોવાના અને પેટ્રોલિયમ પ્રોડક્ટસની માંગમાં ઘટાડા સાથે વિશ્વ મોટી મંદીમાં ગરકાવ થઈ જવાના ભય સર્વત્ર ફેલાવા લાગતાં ક્રુડ ઓઈલના ભાવ તૂટયા હતા. આ સાથે વૈશ્વિક જાયન્ટ સિટી દ્વારા આર્થિક મંદીના સંજોગોમાં આ વર્ષના અંત સુધીમાં ક્રુડના ભાવ તૂટીને ૬૫ જડોલર આવી જવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગોલ્ડમેન સેશ જેવા અન્ય જાયન્ટો ક્રુડના ભાવ વધીને ૧૪૦ ડોલર અને એથી વધુ થવાની આગાહી કરી રહ્યા હતા, ત્યારે સિટી ગુ્રપ દ્વારા ૬૫ ડોલરની આગાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે માર્ચમાં ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ભાવ ૧૩૦.૫૦ ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રુડના ૧૪૦ ડોલર નજીક પહોંચ્યા હતા. વૈશ્વિક બજારોમાં યુરોપ, અમેરિકાના બજારોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો.
ફુગાવાને અંકુશમાં રાખવા વિશ્વભરની સેન્ટ્રલ બેકો દ્વારા આકરા પગલા ભરાતા આર્થિક મંદી પ્રબળ બની રહ્યાની ભીતિ પાછળ આજે અમેરિકન શેરબજારમાં કામકાજના પ્રારંભે કડાકો નોંધાયો હતો.
ચોમેરથી આવેલ વેચવાલીના પ્રબળ દબાણે આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઊજોન્સ ઈન્ડેક્સ ૫૮૦ પોઈન્ટ તુટી ૩૦૫૧૭ ઊતરીઆવ્યો હતો. જ્યારે નાસ્ડેક ૧૮ પોઈન્ટ ઘટી ૧૧૧૦૮ની સપાટીએ નરમ રહ્યો હતો.
બીજી બાજુ વિશ્વબજારમાં સોનાના ભાવ પણ ઔંસ દીઠ ૪૧ ડોલર તૂટીને ૧૭૬૫ ડોલર જ્યારે ચાંદી ૮૦ સેન્ટ એટલે કે ૪ ટકા તૂટી ૧૯.૧૯ ડોલર થઈ ગયા હતા.