
કોલંબિયામાં બુધવારે 28/01/2026 સર્જાયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કોલંબિયામાં કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ નામનું કોમર્શિયલ વિમાન બુધવારે સવારે 11:42 વાગ્યે ઉડાન ભર્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયું હતું. ઉડાનના થોડા સમય બાદ, લેન્ડિંગની માત્ર 11 મિનિટ પહેલા જ રડાર સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. રાજ્ય એરલાઇન SATENA અનુસાર, વિમાનનો છેલ્લો સંપર્ક ‘કૅટટુમ્બો’ (Catatumbo) ક્ષેત્ર ઉપર નોંધાયો હતો, ત્યારબાદ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
સઘન શોધખોળ બાદ બચાવ ટીમોને વિમાનનો કાટમાળ કૅટટુમ્બોના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાંથી મળી આવ્યો છે. સ્થાનિક મીડિયા અને એરલાઇન સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 15 લોકોના મોત થયા છે. આ વિસ્તાર ઊબડ-ખાબડ પહાડો અને ખરાબ હવામાન માટે જાણીતો હોવાથી બચાવ કામગીરીમાં ટીમોને ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
આ દુર્ઘટનામાં કોલંબિયાની સંસદ (ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ) ના સભ્ય ડિયોજેનેસ કિંતેરો અને આગામી ચૂંટણીના ઉમેદવાર કાર્લોસ સાલ્સેડોનું પણ નિધન થયું છે. સાંસદ વિલમર કેરિલોએ આ અંગે ઘેરો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના સાથી કિંતેરો અને તેમની ટીમ આ વિમાનમાં મુસાફરી કરી રહી હતી. તપાસકર્તાઓ હવે મલબાની તપાસ કરી રહ્યા છે જેથી અકસ્માત પાછળ ટેકનિકલ ખામી હતી કે ખરાબ હવામાન તે જાણી શકાય.
કોલંબિયાની સિવિલ એવિએશન એજન્સીએ અકસ્માતના કારણોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરી છે. સરકારે મૃતકોના પરિજનોની સહાયતા માટે વિશેષ હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે. હાલમાં એરોસ્પેસ ફોર્સ અને નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ ઘટનાસ્થળે પુરાવા એકત્રિત કરી રહ્યા છે.

