CIA ALERT

CNG pumps in surat Archives - CIA Live

October 30, 2022
cia_multi-1280x1045.jpg
1min4250

તાજેતરમાં ગુજરાત સરકારે સી.એન.જી. અને પી.એન.જી. ગેસ પર વસૂલાતા વેટના 15 ટકાના દરમાં 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. સી.એન.જી. ગેસ પંપ ધારકોએ વાહનચાલકોને 5 ટકા વેટ સાથે ગેસ ફિલિંગ કરી આપવાનું શરૂ કરી દીધું છે પરંતુ, હજુ સુધી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ગેસ સપ્લાય કરતી કંપનીઓ) દ્વારા સીએનજી પંપ ધારકો પાસેથી 15 ટકાના દરે જ વેટ વસૂલવાનું ચાલુ રાખતા આખરે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ ધારકોએ તા.1લી નવેમ્બર 2022થી અચોક્કસ મુદત માટે હડતાળ પાડવાનું એલાન કર્યું છે. સીએનજી પંપ ધારકોની કમિશન વધારવા અંગેની માગણી ચારથી પાંચ વર્ષથી પેન્ડીંગ છે.

એક પત્રકાર પરિષદમાં સુરત અને તાપી ડિસ્ટ્રીક્ટ પેટ્રોલ પંપ ડિલર એસોસીએશનના પ્રમુખ સુરેશભાઇ દેસાઇ, સીએનજી એસોસીએશનના નિરજ મોદી સહિતના હોદ્દેદારોએ સંયુક્ત પણે જણાવ્યું હતું કે સીએનજી અને પીએનજી પર 10 ટકા વેટ ઘટાડા અંગેના રાજ્ય સરકારના નિર્ણય અંગે ગૂંચવાડાભરી સ્થિતિ જોવા મળી રહી છે. સરકારના આદેશ અનુસાર સીએનજી પંપ ધારકોએ તાત્કાલિક અસરથી સીએનજી પંપ પરથી વાહનોમાં ફિલિંગ કરી અપાતા ગેસ પર 5 ટકા પ્રમાણે વેટ વસૂલવાનું શરૂ કર્યું છે. પરંતુ, બીજી તરફ, સીએનજી પંપ ધારકોને ગેસ પુરવઠો પૂરો પાડી રહેલી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 15 ટકાના હિસાબે વેટ વસૂલવાનું જારી રાખ્યું છે. આવી સ્થિતિમાં સીએનજી પંપ ધારકોને 10 ટકા વેટની રકમની નુકસાની હાલ પ્રતિદિન ભોગવવાનો વખત આવ્યો છે. આ પ્રકારે ધંધો થઇ શકે નહીં આથી તા.1લી નવેમ્બર 2022થી સુરત અને તાપી જિલ્લામાં આવેલા તમામે તમામ સીએનજી ગેસ પંપો પરથી સીએનજી ગેસ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અચોક્કસ મુદત માટે સીએનજી પંપો પરથી ગેસ પુરવઠો નહીં મળે.

સીએનજીનો દર રૂ.43 હતો ત્યારે જે કમિશન મળતું તે આજે રૂ.83એ પણ યથાવત્

સુરત અને તાપી ડિસ્ટ્રીક્ટ પેટ્રોલ પંપ ડિલર્સ એસોસીએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જ્યારે ગુજરાતમાં સીએનજી ગેસ પ્રતિ કિલોએ રૂ.43ના દરે વેચાતો હતો ત્યારે સીએનજી પંપ ધારકોને જે કમિશન મળતું હતું એ જ કમિશન આજે સીએનજીનો દર રૂ.83નો થયો છે ત્યારે પણ યથાવત છે. પંપ ધારકોના કમિશનમાં વધારાની માગણી છેક 2019થી પેન્ડીંગ છે. ઉલ્ટાનું કેન્દ્ર સરકારે વધારાનું કમિશન ચૂકવવાનો આદેશ આપ્યો છે છતાં કંપનીઓએ કરોડો રૂપિયાનું કમિશન જમા રાખ્યું છે અને પંપ ધારકોને ચૂકવતી નથી.

પંપ એસોસીએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની પાસેથી સીએનજી ગેસ સપ્લાય પર 5 ટકા વેટ વસૂલવાનું શરૂ નહીં થાય ત્યાં સુધી સીએનજીનું વેચાણ નહીં કરવામાં આવે.