CIA ALERT

British PM Indian origin Archives - CIA Live

October 24, 2022
rishi-sunak-1.png
1min305

બ્રિટનમાં સત્તા ઉપર રહેલી કોન્ઝર્વટીવ પાર્ટીના નેતાની વરણી કરવાની મુદ્દત હવે પૂર્ણ થઇ ગઈ છે. નેતાની વરણી થતા જ બ્રિટીશ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત એશીયાઇ મૂળના, મૂળ ભારતીય અને દેશની અગ્રણી ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની ઈન્ફોસીસના ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનાકની વરણી થઇ છે. 

બોરીસ જહોન્સન સરકારમાં નાણામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળનાર ઋષિ સુનાક પાસે ૧૯૬ જેટલા સાંસદોનો ટેકો છે. બ્રિટનમાં છેલ્લા સાત વર્ષમાં ચાર વખત સામાન્ય ચૂંટણી યોજાઈ છે અને તેના કારણે પક્ષનો એવો અભિપ્રાય છે કે ફરી ચુંટણીઓ યોજવી જોઈએ નહી. વર્તમાન સંસદની મુદ્દત પૂર્ણ થવી જોઈએ. 

ઋષિ સુનાકના દાદા મૂળ પંજાબના રહેવાસી હતા. સુનાકના પિતાનો જન્મ કેન્યામાં થયો હતો જયારે તે પોતે બ્રિટનમાં જ જન્મેલા છે. સુનાક બ્રિટનના વડાપ્રધાન બને તો તે બ્રિટનના દક્ષિણ એશિયાઈ રહેવાસીઓ માટે એક મોટી વાત છે કારણ કે બ્રિટનમાં પ્રથમ વખત કોઈ એશીયાઇ મૂળની વ્યક્તિ વડાપ્રધાન પદે બિરાજશે.

ઋષિ સુનાકને પડકાર આપવા અગાઉ પૂર્વ વડાપ્રધાન બોરીસ જહોન્સન પણ મેદાનમાં હતા અને તેમની પાસે ૧૦૬ જેટલા સાંસદોનો ટેકો હતો. જોકે, છેલ્લી ઘડીએ તેમણે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. ખુદ બોરીસ જોહોન્સને ઋષિ સુનાકને વડાપ્રધાન પદ માટે ટેકો જાહેર કર્યો હતો અને અન્ય સાંસદોને પણ ટેકો જાહેર કરવા માટે ભલામણ કરી હતી. 

આ પછી પેન્ની મોર્ડાટ મેદાનમાં રહ્યા હતા. સુનાક સામે પક્ષની સામાન્ય સભામાં મતદાન થાય અને બન્ને નેતાઓ વચ્ચે ચૂંટણી યોજાય તેના માટે કોઇપણ વ્યક્તિ પાસે ઓછામાં ઓછા ૧૦૦ સાંસદોનો ટેકો હોવો જરૂરી છે. પરંતુ, પેન્ની પાસે છેલ્લી ઘડી સુધી ૨૬ જ સાંસદોનો ટેકો હોવાનું બહાર આવ્યું હતું. બ્રિટનની કોનઝરવેટીવ પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પેન્નીને રેસમાંથી હટી જવાની અપીલ કરી હતી પણ તેમના અભિયાન ચલાવતા નેતાઓએ દાવો કર્યો હતો કે અમારી પાસે ૧૦૦ કરતા વધારે સાંસદોનો ટેકો છે. 

અગાઉ, જોહોન્સને રાજીનામું આપ્યા બાદ ઋષિ સુનાક અને લીઝ ટ્રસ વચ્ચે વડાપ્રધાન બનવા માટે લડાઈ ચાલી હતી. બન્ને વચ્ચે ચાર ડીબેટ અને એક મહિનાના પ્રચાર અભિયાન પછી ટ્રસ વધારે મત સાથે વડાપ્રધાન બન્યા હતા.