આઈપીએલની ફાઈનલ મેચ ૨૯મી મેના રોજ અમદાવાદમાં જ રમાવાની છે અને મહિલાઓની ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટના કાર્યક્રમની મેચ ૨૩થી ૨૮મી મેના રોજ રમાવાની છે, તેને હવે પુણે ખાતે ખસેડવામાં આવી હોવાની વાતને બીસીસીઆઈએ પુષ્ટિ આપી હતી.
આઈપીએલની ક્વોલિફાયર વન અને એલિમિનેટર કોલકાતામાં અનુક્રમે ૨૪ અને ૨૫મી મેના રોજ થવાની હોવાનો, જ્યારે ક્વોલિફાયર ટુ અને ફાઈનલ અમદાવાદમાં અનુક્રમે ૨૭ અને ૨૯મી મેના રોજ રમાવાની હોવાનો અહેવાલ ગયા મહિને પ્રકાશિત કરાયો હતો, એ અંગે મંગળવારે ફાઈનલ તો અમદાવાદમાં જ રમાશે એ વાતને પુષ્ટિ આપી હતી.
‘ક્વોલિફાયર વન ૨૪મી મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે, જ્યારે ત્યાર પછી ૨૫મી મેના રોજ એલિમિનેટર પણ ઈડન ગાર્ડનમાં રમાવાની છે. ટાટા આઈપીએલની ક્વોલિફાયર ટુ અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, એવું બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.
ગયા મહિને બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠક મળ્યા બાદ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે મહિલા ટી-ટ્વેન્ટી મેચો લખનઊમાં રમાવાની હતી, પણ હવે તેને પુણે ખાતે ફેરવવામાં આવી છે. ફાઈનલ મેચ ૨૮મી મેના રોજ છે અને એ પહેલાં ત્રણ મેચ રમાશે.