25 june 1975 Archives - CIA Live

July 12, 2024
immergency.png
1min177

કેન્દ્ર સરકારે 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેમાં કેન્દ્રએ કહ્યું છે કે દેશમાં 25 જૂન 1975ના રોજ ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી, તેથી હવે ભારત સરકારે દર વર્ષે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનને યાદ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વીટ કર્યું છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે પોસ્ટ કર્યું હતું કે, “25 જૂન, 1975ના રોજ, તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશ પર ઈમરજન્સી લાદીને, એક સરમુખત્યારશાહી માનસિકતા દર્શાવીને આપણી લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું.

લાખો લોકોને કોઈપણ ભૂલ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. 1975ની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના મહાન યોગદાનને યાદ કરવા માટે ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એવા લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનો છે, જેઓ સરમુખત્યારશાહી સરકારના અસંખ્ય ત્રાસ અને જુલમનો સામનો કરવા છતાં લોકશાહીને જીવિત રાખવા માટે પ્રયત્નશીલ રહ્યા અને તેને બચાવવાનો સંઘર્ષ કર્યો ‘સંવિધાન હત્યા દિવસ’ દરેક ભારતીયમાં વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતનું રક્ષણ કરવાનું કામ કરશે, જેથી ભવિષ્યમાં કોંગ્રેસ જેવી કોઈ સરમુખત્યારશાહી માનસિકતાનું પુનરાવર્તન ન કરી શકે.