ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા દિલ્હીની આપ પાર્ટીની સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિષે કરવામાં આવેલા બેફામ વાણી વિલાસને સખત શબ્દોમાં વખોડી કાઢીને મિનિસ્ટરને પદભ્રષ્ટ કરવા માટે માગણી કરવામાં આવી છે.

ભાજપા, સુરત મહાનગર દ્વારા કેબિનેટ મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં સુરત ભાજપા કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હીની આપ સરકારના કેબીનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા હિંદુ દેવી દેવતાઓ વિષે અપમાનજનક ઉચ્ચારણો કરતો વીડિઓ બહાર આવતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર હિંદુ સમાજમાં ભારે આક્રોશ વ્યાપી રહ્યો છે. તથા દિલ્હીની આપ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ ને તત્કાળ હટાવવા માટે કેજરીવાલ પગલા લે તથા હિંદુ સમાજની માફી માંગે તેવી તીવ્ર માંગ કરવામાં આવે છે.
દિલ્હી સરકારના જલઆપૂર્તિ, ટુરીઝમ, કલા- સંસ્કૃતિ, ભાષા અને ગુરુદ્વારા વિભાગના કેબીનેટ મંત્રી અને આપ પાર્ટીના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે દસ હજાર લોકોની મેદનીને ધર્મપરિવર્તન કરાવતા હિંદુ ધર્મના દેવી દેવતાઓ વિશે ભારે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ક્યારેય ઈશ્વર નહિ માનુ અને ક્યારે તેમનુ પૂજન કરીશ નહિ, હું રામ અને કૃષ્ણને ઈશ્વર નહિ માનુ અને એમનુ પણ પૂજન ક્યારે કરીશ નહિ હું, ગૌરી ગણપતિ જેવા હિંદુ ધર્મના કોઈપણ દેવી દેવતાઓને નહિ માનું અને તેમની પૂજા નહિ કરું.
દિલ્હીની આપ સરકારના મંત્રીએ ઉચ્ચારેલા શબ્દો માત્ર તેમના નથી પરંતુ તે હિંદુ વિરોધી માનસિકતા ધરવતા આપ પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલની માનસિકતાનું પ્રતિબિંબ છે.
હાલમાં જે રાજ્યોમા ચૂંટણી આવનાર છે તે રાજ્યોના પ્રવાસ દરમ્યાન કેજરીવાલ લોકોને ” જય શ્રી રામ” અને ” જય શ્રી કૃષ્ણ” બોલીને ભોળવવાનો ઢોંગ કરી રહ્યા છે. પરંતુ તેમના મંત્રીઓના ઉચ્ચારણો દ્વારા અવારનવાર તેમની હિંદુ વિરોધી માનસિકતા છલકાતી રહી છે. આ અગાઉ જ્યારે ” કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મ રજુ થઇ હતી ત્યારે પણ દિલ્હીની વિધાનસભામા કેજરીવાલે કાશ્મીરી પંડિતોની વેદનાની ક્રૂર મજાક ઉડાવી હતી. કાશ્મીરી પંડિતોને દિલ્હીમાં નોકરી આપવાના મામલે કેજરીવાલ ઉગ્ર વિરોધ પણ કર્યા હતો અને કોર્ટમાં જઈને પણ પોતાનો આ વિરોધ લાગુ કરવા ગુહાર લગાવી હતી.
ભારત દેશના કરોડો- કરોડો હિંદુ પરિવારોની આસ્થા ભગવાન શ્રી રામચંદ્રજી અને શ્રી રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલી છે. તમામ હિંદુઓ હ્રદયથી શ્રી રામમંદિરનાં નિર્માણ અર્થે કોઈ પણ ભાગ આપવા તૈયાર છે ત્યારે કેજરીવાલે શ્રી રામ મંદિરનું નિર્માણ ન થાય તે માટે તમામ અડચણો ઉભી કરવા પ્રયાસ કર્યા છે. તેમના નાનીનુ નામ લઈને પણ આવા પ્રયાસો કર્યા હતા. તેમના બધા પ્રયાસો છતાં શ્રીરામમંદિરનું નિર્માણકાર્ય શરુ થયું તો તેને બદનામ કરવાનો પ્રયાસ કેજરીવાલ અને તેમની ગેંગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
કેજરીવાલ હિંદુ વિરોધી તો છે પરંતુ રાષ્ટ્ર વિરોધી માનસિકતા પણ ધરાવે છે. JNU ની ટુકડે ટુકડે ગેંગના રાષ્ટ્રવિરોધી વલણને તેઓ ખુલ્લુ સમર્થન આપે છે.
પોતાની જાતને ચૂંટણી સમયે હનુમાનભક્ત ગણાવનાર કેજરીવાલ ટવીટ કરીને હનુમાનજીની મજાક ઉડાડતા ખચકાતા નથી. સ્વસ્તિકના પવિત્ર પ્રતિકની પણ મજાક ઉડાડે છે. જે દેશની પ્રજા ભૂલતી નથી.
દિલ્હીમાં થયેલા કોમી દંગાઓમાં આપ પાર્ટીના તાહિર હુસેનની સંડોવણી જે રીતે ખુલીને બહાર આવી અને તેમને જેલ હવાલે થયું પડ્યુ તેથી આપ પાર્ટીનો ચહેરો ખુલીને બહાર આવ્યો છે.
અર્બન નકસલી વિચારધારા ધરવતા અને ખાલીસ્તાન સમર્થક કેજરીવાલની આ વિચારધારા આપ પાર્ટીના તમામ નેતાઓ અને સમર્થકોના દિમાગમાં પણ નશાની જેમ ફરી વળી છે. ઉગ્રતાથી ગાળા-ગાળી કરવી, શાંતિ ડહોળવી, ભાંગફોડ કરવી એ આમ આદમી પાર્ટીના નેતા કાર્યક્રમોની આદત બની ગઈ છે.

ગુજરાત પ્રદેશણા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા પણ આવા જ હિંદુ વિરોધી નિવેદનો અને કાર્યો કરવામા આવ્યા છે. સત્યનારાયણ ભગવાનની કથા કે અને કથાકારો માટે એલ ફેલ અને અપમાનજનક નિવેદનો કરતા તેમના વિડીઓ સૌએ નિહાળ્યા છે. ગુજરાતની સમજુ અને શાણી જનતા આવા હિંદુ વિરોધી તત્વોને ક્યારેય ગુજરાતમાં ઘુસવા નહિ દે તથા તેમની આવી હિંદુ વિરોધી માનસિકતા સાંખી નહિ લે, ઉપરાંત કેજરીવાલ પોતાના આ મંત્રીને તત્કાલીન પોતાની સરકારમાંથી દુર કરે તેવી ઉગ્ર લાગણી વ્યક્ત કરે છે.