સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય, ખ્યાતનામ હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ આજે સુરત ડાયમંડ બુર્સના સેકન્ડ ઓપનિંગ પ્રસંગે સુરત એરપોર્ટ બાબતે નિખાલસ બાબતો કહી હતી. તેમણે કહ્યું કે 20 વર્ષ, 30 વર્ષથી કે 50 વર્ષથી, એરપોર્ટ બાબતે સુરત શહેરને બહુ મોટો અન્યાય થઇ રહ્યો છે. એનો હું સાક્ષી છું. તેમણે કહ્યું કે વસતિની દ્રષ્ટીએ સુરત 9માં નંબરનું શહેર છે જ્યારે વિમાની સેવાઓ બાબતે સુરતનો નંબર 37મો છે, આ જ એક દેખિતો અન્યાય છે, તેમણે કહ્યું કે વસતિ અને બિઝનેના પ્રમાણમાં સુરતને વિમાની સેવાઓ મળવી જોઇએ. આ તબક્કે તેમણે વિદેશી શહેર, બ્રસેલ્સનો દાખલો આપ્યો હતો. બ્રસેલ્સમાં 20 લાખની વસતિ છે, જ્યાં દરરજો 300 પ્લેન અવરજવર કરે છે. એની સામે સુરતમાં વર્ષો અગાઉ 40 લાખની વસતિ હતી ત્યારે એકેય પ્લેન આવતું ન હતું.
ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે મારી સરકારને, એરપોર્ટવાળાને, એરલાઇન્સ વાળાને પણ નમ્ર વિનંતી તમે સુરત બાજુ નજર દોડાવો, સુરતમાં જલ્દીમાં જલદી વિમાની સેવાઓ ચાલુ કરો. ઇન્દૌરની વસતિ 32 લાખની છે ત્યાં 100 ફ્લાઇટ આવે છે, જ્યારે સુરતની હાલની વસતિ 82 લાખની છે એ હિસાબે અહીં 300 ફ્લાઇટ સુરતને મળવી જોઇએ.
રાજ્યસભાના સભ્ય હોવાના નાતે તેમણે કહ્યું કે એવું નથી કે કોઇને સુરત પર દાઝ છે પણ સુરત તરફ કોઇનું ધ્યાન નથી એટલે અન્યાયપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે.