CIA ALERT
19. April 2024

રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં દોષિત Archives - CIA Live

March 23, 2023
rahul_ed.jpg
1min785

મોઢવાણિક સમાજની માનહાનીના કેસમાં આરોપી કોંગ્રેસના શિર્ષ હરોળના નેતા રાહુલ ગાંધીને આજે તા.23મી માર્ચ 2023ને ગુરુવારના રોજ સુરતની સીજીએમ કોર્ટે દોષી જાહેર કર્યા છે. રાહુલ ગાંધીને આજે સુરતની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એચ.એચ.વર્માએ દોષી જાહેર કર્યા છે. 2019માં કર્ણાટકના કોલાર ખાતે લોકસભાની ચૂંટણી દરમિયાન આરોપી રાહુલ ગાંધીએ મોઢવણિક સમાજને બદનામી થાય તેવા આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરત કોર્ટે ચૂકાદો આપતા દોષિત જાહેર કર્યા છે. આ પહેલા કોંગ્રેસ પક્ષના નેતાઓએ તા.22મી માર્ચ 2023ના રોજ કહ્યું હતું કે કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે તેવી સંભાવના છે. આ મામલો મોદી અટક અંગેની ટિપ્પણી સાથે સંબંધિત છે. રાહુલ ગાંધીને આ મામલે આજે તા.23મી માર્ચ 2023ની સવારે સુરતની કોર્ટ દ્વારા બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આજના ઘટનાક્રમમાં ચુકાદો સંભળાવતા રાહુલ ગાંધીના વકીલો દ્વારા તરત જ સુરતની કોર્ટમાં જ જામીન અરજી દાખલ કરી હતી. તેમના જામીન મંજૂર કરાયા હતા. 

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો.

સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે 2019માં બેંગ્લોરથી 100 કિ.મી. દૂર એક નગરમાં પોતાના વક્તવ્યમાં મોદી સમાજની બદનક્ષી થાય તે સંદર્ભની ટિપ્પણી કરી હતી. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.

આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે ફરિયાદી પૂર્ણેશ મોદી,સુરત મોઢવણિક સમાજના અગ્રણી સહિત કોલાર ડિસ્ટ્રિક્ટના ચૂંટણી કમિશનર જે. મંજુનાથ, ચંદ્રપ્પા સહિત કુલ 8 થી 9 સાક્ષીઓની જુબાની તથા દસ્તાવેજી અને ઈલેક્ટ્રોનિક પુરાવા રજૂ કરી ફરિયાદ પક્ષ કેતન રેશમવાલાએ કેસ પુરવાર કરી આરોપીને દોષી જાહેર કરવા માંગ કરી હતી. 

દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મેરા ભગવાન છે અને અહિંસા જ તેને પામવા માટેનું સાધન છે.