
ગુજરાતમાં મનરેગા, નલ સે જલ સહિત અન્ય સરકારી યોજના જાણે કમાણીની યોજના બની રહી છે. રાજનેતા અને અધિકારી ભેગા મળીને ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે છતાંય સરકાર-મંત્રી છેવાડાના માનવીને લાભ મળ્યો છે તેવા ગુણગાન ગાઈ રહ્યાં છે. ગુજરાત વિધાનસભામાં આ મુદ્દો ઉઠતાં ખુદ મંત્રીએ એ વાતનો સ્વીકાર કર્યો કે, મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યુ છે, જેમાં અત્યાર સુધીમાં 12 સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં મંત્રી બચુ ખાબડના બંને દીકરાની સંડોવણી બહાર આવી છે. જોકે, આના કારણે સરકારની પ્રતિષ્ઠાનું ધોવાણ થયુ છે. મનરેગા યોજના પછી નલ સે જલ યોજનામાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. મહીસાગરમાં આ યોજનામાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે. આ મામલે વિધાનસભામાં વિપક્ષે આરોપોની છડી વરસાવતાં મંત્રી કુંવરજી બાવળિયાએ એ વાતનો સ્વીકાર કર્યો કે, નલ સે જલ યોજનામાં ગોટાળો થયો છે.
ગૃહમાં વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ સવાલ કર્યો કે, લેખિતમાં એવો જવાબ અપાયો છે કે, કોઈ ગેરરીતી થઇ નથી. સાચુ શું છે? ત્યારે મંત્રીએ કબૂલ્યું કે, નલ સે જલ યોજના મામલે ફરિયાદ મળતાં મહીસાગર જિલ્લાના 630 ગામોમાં તપાસ કરવામાં આવી ત્યારે ગેરરીતિ ધ્યાને આવી હતી. અત્યાર સુધીમાં 122 એજન્સી પાસેથી 2.97 કરોડની વસૂલાત કરાઈ છે. આ ઉપરાંત 43 પાણી સમિતિઓ પાસેથી નાણાંની રિકવરી કરવા આદેશ કરાયા છે અને 122 એજન્સીઓને ડીબોર્ડ કરાઈ છે.
એવો ખુલાસો થયો છે કે, તાલુકા પંચાયતના સભ્યોની પણ નલ સે જલ કાંભાડમાં સંડોવણી હોય શકે છે, તેથી આ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. મનરેગા અને નલ સે જલ યોજનામાં ભાજપના મળતિયાઓએ જ ભ્રષ્ટાચાર આચર્યો છે તેવો વિપક્ષે આક્ષેપ કર્યો છે. અત્યાર સુધીમાં મહીસાગર જિલ્લામાં 714 ગામો પૈકી 680 ગામોમાં ઘરે-ઘરા નળ લગાવવાની કામગીરી કરાઈ રહી છે. જોકે, સરકારે દાવો કર્યો કે, જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ રાજ્યમાં કુલ 91 લાખ ઘરને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં છે.